ટેબલ ટેનિસમાં ગુજરાતના પીઢ ખેલાડી હરમિત દેસાઈ ટીમ ઈવેન્ટમાં ગયા સપ્તાહે જ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો, તો પેરા ટેબલ ટેનિસમાં ગુજરાતની ભાવિના પટેલે ગોલ્ડ તથા સોનલ પટેલે બ્રોંઝ મેડલ હાંસલ કરી કોમનવેલ્થ ગેમ્સમાં ઝળહળતી સફળતા સાથે ભારત અને ગુજરાત માટે ગૌરવવંતો દેખાવ કર્યો હતો.
ટોક્યો પેરાલિમ્પિક્સમાં સીલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલે ફાઈનલમાં નાઈજીરિયાની ઈક્પેઓયીને ૩-૦થી હરાવી હતી. તો સોનલે બ્રોંઝ મેડલના જંગમાં ઈંગ્લેન્ડની બેઈલીને ૩-૦થી હરાવી મેડલ પ્રાપ્ત કર્યો હતો.
ટ્રિપલ જંપમાં ગોલ્ડ અને સિલ્વર, રેસ વોકમાં બ્રોંઝઃ રવિવારે બોક્સિંગમાં નીતૂ ઘંઘાસ અને અમિત પંઘલે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા. તે ઉપરાંત, ભારતીય એથલેટ્સે ટ્રિપલ જંપ 2 મેડલ હાંસલ કર્યા હતા. મેન્સ ટ્રિપલ જંપમાં એલ્ડહોસ પોલને 17.03 મીટરની બેસ્ટ છલાંગ લગાવીને ગોલ્ડ મેડલ અને તે જ ઈવેન્ટમાં અબ્દુલ્લા અબુબકરે 17.02 મીટરની સર્વશ્રેષ્ઠ છલાંગ સાથે સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો.
10 કિમીની રેસ વોકમાં સંદીપ કુમારે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. સંદીપે 38 મિનિટ અને 49.21 સેકન્ડમાં આ મેડલ મેળવ્યો છે. તેમનું પ્રદર્શન પર્સનલી બેસ્ટ રહ્યું છે.કુસ્તીમાં પણ ભારતીય હરીફોએ જબરજસ્ત સફળતા સાથે ત્રણ ગોલ્ડ સહિત સંખ્યાબંધ મેડલ મેળવ્યા હતા.