ભારતીય ક્રિકેટ ટીમે એડીલેઈડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં નામોશીભર્યો પરાજય વહોર્યા પછી મેલબોર્નમાં રમાયેલી બીજી – બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી ધમાકેદાર વિજય મેળવ્યો હતો. આ રીતે, હવે ચાર ટેસ્ટ મેચની આ સીરીઝ 1-1થી બરાબરીમાં આવી ગઈ છે. મેચ ચોથા દિવસે જ પુરી થઈ ગઈ હતી અને મોડા લેવાયેલા લંચ બ્રેક સુધીમાં ભારતે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ પુરી કરી નાખી હતી, જ્યારે લંચ પછીના સેશનમાં ભારતે વિજય માટે જરૂરી 70 રનનો ટાર્ગેટ ફક્ત 15 ઓવર્સમાં હાંસલ કરી લીધો હતો. ભારતનો સુકાની અજિંક્ય રહાણે મેન ઓફ ધી મેચ બન્યો હતો, તેણે પહેલી ઈનિંગમાં સદી કરી હતી અને ટીમને પહેલી ઈનિંગમાં મળેલી 131 રનની મહત્ત્વની સરસાઈમાં મોખરાનો ફાળો આપ્યો હતો. એ ઉપરાંત, સુકાની તરીકે પણ તેણે ટીમને જબરજસ્ત નેતૃત્ત્વ આપી એડીલેઈડની નામોશી ખંખેરી નાખી હતી.
ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ લીધી હતી, પણ તે પહેલી ઈનિંગમાં ફક્ત 195 રન કરી શકી હતી. ટીમનો એકપણ બેટ્સમેન અડધી સદી સુધી પહોંચી શક્યો નહોતો. લબુશેનના 48 રન ટીમનો શ્રેષ્ઠ સ્કોર હતો, તો ટ્રેવિસ હેડે 38, મેથ્યુ વેડે 30 તથા નાથન લીયોને 20 રન કર્યા હતા. ભારત તરફથી બુમરાહે ચાર, અશ્વિને 3, નવોદિત મોહમમ્દ સિરાજે બે અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી.
જવાબમાં ભારતે પહેલી ઈનિંગમાં 326 રન કર્યા હતા, જેમાં રહાણેની સદી ઉપરાંત રવિન્દ્ર જાડેજાની અડધી સદી (57) મહત્ત્વની રહી હતી. બન્નેએ છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં 121 રન કર્યા હતા. તે ઉપરાંત શુભમાન ગિલે પણ 45 રનનો મહત્ત્વનો ફાળો આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક અને નાથન લિયોને 3-3 વિકેટ લીધી હતી, જ્યારે કમિન્સને 2 તથા હેઝલવુડને એક વિકેટ મળી હતી.
બીજા દાવમાં ઓસ્ટ્રેલિયા ફરી લગભગ એટલો જ સ્કોર – 200 રન કરી શક્યું હતું, તેમાંથી 131 રનની સરસાઈ કાપતાં તેનો સ્કોર ફક્ત 69 રન થયો હતો. ફરી કોઈ બેટ્સમેન અડધી સદી કરી શક્યો નહોતો, ગ્રીનના 45 અને મેથ્યુ વેડનો 40 રનનો ફાળો મુખ્ય હતો. ભારત તરફથી નવોદિત મોહમ્મદ સિરાજે 3 તથા બુમરાહ, અશ્વિન અને જાડેજાએ 2-2 વિકેટ ઝડપી હતી. ભારતે બે વિકેટ ગુમાવી 70 રનનો વિજયનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો.