વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ વન-ડેની સીરીઝની પહેલી અને બીજી મેચમાં રસાકસીભર્યા જંગમાં વિજય સાથે સીરીઝ 2-0થી જીતી લીધી હતી. પહેલી મેચ શુક્રવારે અને બીજી મેચ રવિવારે – બન્ને પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ હતી.
રવિવારે રમાયેલી બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝના સુકાની નિકોલસ પૂરને ટોસ જીતી પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો અને ટીમે 6 વિકેટે 311 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. વિકેટ કીપર અને ઓપનર શાઈ હોપે 115 અને સુકાની પૂરને 74 રનની ઝમકદાર ઈનિંગ સાથે આ જંગી સ્કોરમાં મુખ્ય પ્રદાન કર્યું હતું. તે ઉપરાંત કાયલ માયર્સ અને શામરા બ્રુક્સે પણ 39 અને 35 રનનો ફાળો આપ્યો હતો. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણ તથા દીપક હુડા, અક્ષર પટેલ અને યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ લીધી હતી. અક્ષર પટેલે 9 ઓવર્સમાં એક મેઈડન સાથે 40 રન આપી સૌથી વધુ કરકસરયુક્ત બોલિંગ કરી હતી અને પછી બેટિંગમાં પણ હીરો રહ્યો હતો, તેણે અણનમ 64 રન ફક્ત 35 બોલમાં – પાંચ છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે કરી બેટિંગમાં ભારતના વિજયમાં મુખ્ય ભૂમિકા અદા કરી હતી, જે બદલ તેને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. તેની વન-ડે કારકિર્દીની આ પ્રથમ અડદી સદી હતી.
ભારત તરફથી અક્ષર ઉપરાંત શ્રેયસ ઐયરે 63, સંજુ સેમસને 54, શુભમન ગિલે 43 તથા દીપક હુડાએ 33 રનનું પ્રદાન કર્યું હતું, પણ છેલ્લી બે ઓવરમાં જ એવું લાગ્યું હતું કે, ભારતનો વિજય થશે, ત્યાં સુધી તો સતત 9 રનથી વધુ અને એક તબક્કે તો 10 રનનો જરૂરી રનરેટ અને ઓછી વિકેટ્સ બાકી રહ્યાના કારણે ભારતનો વિજય મુશ્કેલ જણાતો હતો. ખાસ કરીને ટોપ ઓર્ડરની પાંચ વિકેટ પડી ગઈ હતી ત્યારે 39મી ઓવરમાં ભારતના ફક્ત 205 રન થયા હતા. પણ એ પછી દીપક હુડા – અક્ષરે બાજી થોડી સંભાળી હતી અને આખરે છેલ્લી ઓવરમાં 8 રન કરવાના હતા ત્યારે અક્ષર પટેલે ચોથા બોલે જબરજસ્ત ચોગ્ગો ફટકારી વિજય હાંસલ કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી અલઝારી જોસેફ અને કાયલ માયર્સે બે-બે તથા અકીલ હુસેન, રોમારીઓ શેફર્ડ અને જેડસ સીલેસે એક-એક વિકેટ લીધી હતી.
પ્રથમ વન-ડેમાં ભારતનો 3 રને દિલધડક વિજયઃ અગાઉ, શુક્રવારે રમાયેલી પ્રથમ વન-ડેમાં પૂરને ટોસ જીતી પહેલા ભારતને બેટિંગમાં મોકલવાનો નિર્ણય લીધો હતો. ભારતે 7 વિકેટે 308 રન કર્યા હતા, જેમાં સુકાની શિખર ધવન ફક્ત ત્રણ રને સદી ચૂકી ગયો હતો, તો બીજા ઓપનર શુભમન ગિલે 64 અને શ્રેયસ ઐયરે 54 રન કર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે આઠ બોલર્સ અજમાવ્યા હતા, જેમાં અલઝારી જોસેફ અને જી. મોટીએ બે-બે વિકેટ લીધી હતી, તો શેફર્ડ અને અકીલ હુસેને એક-એક વિકેટ લીધી હતી.
જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ માટે છેલ્લી ઓવરમાં વિજય માટે 15 રનની જરૂર હતી અને ચાર વિકેટ બાકી હોવા છતાં મોહમદ સિરાઝની અસરકારક બોલિંગ અને સંજુ સેમસને વિકેટ કીપર તરીકે ડાઈવ મારી એક નિશ્ચિત ફોર બચાવી યજમાન ટીમને ફક્ત 11 રન કરવા દીધા હતા અને ટીમને ત્રણ રને વિજેતા બનાવી હતી. શિખર ધવનને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.