ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટ મેચની સીરીઝ સોમવારે (13 માર્ચ) અમદાવાદમાં નિરસ ડ્રો રહી હતી, જો કે ભારતે પ્રથમ બે ટેસ્ટમાં વિજયના આધારે સીરીઝ 2-1થી જીતી લઈ બોર્ડર – ગાવસ્કર ટ્રોફી પોતાની પાસે જાળવી રાખી હતી. ઓસ્ટ્રેલિયા સામે ભારતનો આ સતત ચોથી સીરીઝમં વિજય છે અને આવી સિદ્ધિ હાંસલ કરનારી તે પહેલી એશિયન ટીમ બની છે. આ ઉપરાંત, ભારતે પોતાની ધરતી ઉપર છઠ્ઠીવાર આ ટ્રોફી હાંસલ કરી છે. ઘરઆંગણે ભારતનો આ સતત 16મી ટેસ્ટ સીરીઝમાં વિજય છે, છેલ્લે 2004માં ભારતનો પોતાની ધરતી ઉપર ટેસ્ટ સીરીઝમાં પરાજય થયો હતો.
ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના સુકાની સ્ટીવ સ્મિથે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અમદાવાદની પીચ અગાઉની ત્રણેની તુલનાએ સ્પિનર્સ માટે ઓછી સાનુકુળ રહી હતી. તેના પગલે, ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગ લગભગ બે દિવસ ચાલી હતી અને ઉસ્માન ખ્વાજા તથા કેમરોન ગ્રીનની સદી સાથે પ્રવાસી ટીમે 480 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. ભારત તરફથી રવિચન્દ્રન અશ્વિને 6 અને મોહમદ શમીએ બે, જાડેજા અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી હતી.
જવાબમાં ભારતે પણ લગભગ બે દિવસ રમીને 571 રન કરતાં ટીમને પહેલી ઈનિંગમાં 91 રનની મહત્ત્વની લીડ મળી હતી. ઓપનર, યુવાન અને ટેસ્ટ મેચ માટે નવોદિત બેટર શુભમન ગિલે સદી (128) કરી ટીમને મહત્ત્વની, મજબૂત શરૂઆત આપી હતી, તો વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાં સદીના દુકાળનો અંત લાવી ઝમકદાર 186 રન કર્યા હતા. અક્ષર પટેલે તેની નામના અનુસાર તોફાની બેટિંગ કરી ચાર છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે 113 બોલમાં અતિ મહત્ત્વના 79 રન કર્યા હતા અને ભારતની સરસાઈમાં તેની મહત્ત્વની ભૂમિકા રહી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોન અને ટોડ મરફીએ 3-3 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં પણ મક્કમ અને આક્રમક બેટિંગ સાથે એક દિવસથી વધુના સમયમાં બે વિકેટે 175 રન કરી ઈનિંગ ડીકલેર કરી હતી. પણ બાકીના સમયમાં મેચનું પરિણામ આવી શકે તેમ નહીં હોવાથી બન્ને કેપ્ટનની સંમતિથી મેચ વહેલી ડ્રો જાહેર કરી દેવાઈ હતી.
વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધી મેચ તથા રવિચન્દ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને સંયુક્ત રીતે પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયા હતા.
હવે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે આગામી તા. 17, 19 અને 22ના રોજ ત્રણ ડે-નાઈટ વન-ડે ઈન્ટરનેશનલ્સ અનુક્રમે મુંબઈ, વિશાખાપટ્ટનમ અને ચેન્નાઈમાં રમાશે.