ભારતે રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી અને છેલ્લી ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં વધુ એક વખત રસાકસીભર્યા મુકાબલામાં સાત રને વિજય સાથે આ સીરીઝમાં બે નવા રેકોર્ડ કર્યા છે.
છેલ્લી ત્રણ મેચમાં ન્યૂઝીલેન્ડ વિજયના આરે આવ્યા પછી હારી ગયું હતું અને તેમાં પણ ત્રીજી અને ચોથી ટી-20માં તો સતત બે મેચ પહેલીવાર ટાઈ થયાનો વર્લ્ડ રેકોર્ડ થયો હતો અને બન્નેમાં ભારતે સુપર ઓવરમાં વિજય સાથે એક વિશિષ્ટ રેકોર્ડ કર્યો હતો. પાંચમી અને અંતિમ મેચમાં પણ 164 રનના ખાસ મુશ્કેલ ના કહી શકાય એવા ટાર્ગેટ પછી ન્યૂઝીલેન્ડની શરૂઆત ઘણી ખરાબ થઈ હતી, 17 રનમાં તો એના ટોપના ત્રણ બેટ્સમેન પેવેલિયનમાં પાછા પહોંચી ગયા હતા.
ત્યારબાદ મીડલ ઓર્ડરમાં ટીમ સૈફર્ટ અને રોસ ટેલરે અડધી સદીઓ કરી ટીમને વિજયની સ્થિતિમાં લાવી દીધી હતી, પણ તે પછી ફરી ધબડકો થતાં આખરે તે 20 ઓવર્સમાં 9 વિકેટ ગુમાવી ફક્ત 156 રન સુધી પહોંચી શકી હતી.
ભારત તરફથી જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 12 રન આપી 3 વિકેટ ઝડપી હતી. તો નવદીપ સૈની તથા શાર્દુલ ઠાકુરને બે-બે અને વોશિંગટન સુંદરને એક વિકેટ મળી હતી.
ઈનિંગની 17મી ઓવરમાં શાર્દુલ ઠાકુરે ફરી ભારતની તરફેણમાં બાજી પલ્ટી નાખી હતી. તેણે મિશેલ સેન્ટનર તથા કુગ્ગેઇનની વિકેટો ખેરવી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 3 વિકેટે 163 રન કર્યા હતા. કોહલીને આરામ અપાયો હોવાથી તેના સ્થાને સુકાની બનેલા રોહિત શર્માએ સૌથી વધુ 60 રન કર્યા હતા. પગનો સ્નાયુ ખેંચાઈ જતાં તે રિટાયર્ડ હર્ટ થયો હતો. તે ઉપરાંત લોકેશ રાહુલે 45 અને શ્રેયસ અય્યરે અણનમ 33 રન કર્યા હતા. મનીષ પાંડેએ ચાર બોલ પર એક ચોગ્ગા અને એક છગ્ગા સાથે 11 રન કર્યા હતા.
રોહિત શર્માએ ટી-20માં સૌથી વધુ – 25 વખત 50 કે તેથી વધુનો સ્કોર બનાવ્યો હતો. તે વિરાટ કોહલી (24)થી આગળ નિકળી ગયો છે. ન્યૂઝીલેન્ડ તરફથી સ્કોટ કુગ્ગેલને બે તથા હામિશ બેનેટને એક વિકેટ મળી હતી.
સતત બે મેચ ટાઈ, સુપર ઓવરમાં બન્નેમાં ભારતનો રોમાંચક વિજયઃ એ પહેલા શુક્રવારે વેલિંગ્ટન તથા તે પહેલા બુધવારે હેમિલ્ટનમાં રમાયેલી ચોથી અને ત્રીજી ટી-20 મેચમાં ભારતીય બોલર્સે છેલ્લી ઓવરમાં પાસુ પલટાવી નાખ્યું હતું અને ન્યૂઝીલેન્ડના મોઢામાંથી વિજયનો કોળિયો છિનવી લઈ મેચ ટાઈમાં ખેંચી હતી અને પછી સુપર ઓવરમાં વિજય સાથે એક અનોખો રેકોર્ડ સર્જ્યો હતો.
વેલિંગ્ટનમાં તો ન્યૂઝીલેન્ડ સામે 166 રનનો ખાસ પડકારજનક કહી ના શકાય એવો ટાર્ગેટ હતો અને છેલ્લી ઓવરમાં તેને ફક્ત સાત કરવાના હતા, ત્યારે શાર્દુલ ઠાકુર જેવા પ્રમાણમાં ખાસ અનુભવી નહીં એવા બોલરે ચાર વિકેટ ખેરવી હતી અને છ રન આપ્યા હતા. છેલ્લા બોલે ફક્ત એક રન કરવાનો હતો તેની જગ્યાએ વિકેટ પડી હતી. તે પછી, પહેલા બેટિંગ લેતાં ન્યૂઝીલેન્ડે સુપર ઓવરમાં 13 રન કર્યા હતા, જેના જવાબમાં ભારતે પાંચ બોલમાં જ 16 રન કરી મેચ જીતી લીધી હતી.
હેમિલ્ટનમાં બુધવારે રમાયેલી ત્રીજી ટી-20માં મોહમદ શમીએ છેલ્લી ઓવરમાં રંગ રાખ્યો હતો, પણ એ પછી સુપર ઓવરમાં ભારતના આક્રમક ઓપનર રોહિત શર્માએ કપરા સંજોગોમાં છેલ્લા બે બોલમાં સતત બે છગ્ગા ફટકારી ભારતને વિજેતા બનાવ્યું હતું. ન્યૂઝીલેન્ડે 17 રન કર્યા હતા અને ભારત ચાર બોલમાં ફક્ત 8 રન કરી શક્યું હતું. પણ રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડની આશાઓ ઉપર પાણી ફેરવી દઈ ભારતનો ટી-20 સીરીઝમાં પહેલીવાર ન્યૂઝીલેન્ડ સામે વિજય નિશ્ચિત કર્યો હતો.