(ANI Photo)

વેસ્ટ ઈન્ડિઝના ટ્રિનિડાડના ટરૌબા ખાતે ગયા સપ્તાહે બુધવારે (2 ઓગસ્ટ) બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 200 રનના જંગી માર્જીનથી હરાવી સીરીઝમાં 2-1થી વિજય હાંસલ કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો આ સતત 13 દ્વિપક્ષી વન-ડે સીરીઝનો વિજય છે. 200 રનના જંગી તફાવતથી વિજય સાથે ભારતે એક નવો રેકોર્ડ પણ કર્યો છે, જેમાં વેસ્ટ ઈન્ડિઝમાં તેની સામે કોઈપણ પ્રવાસી ટીમનો આ સૌથી મોટા માર્જીનથી વિજય બન્યો છે. ભારતનું વેસ્ટ ઈન્ડિઝ સામે તેની ધરતી ઉપર કે દેશમાં ઘરઆંગણે સતત 16 વર્ષથી વર્ચસ્વ રહ્યું છે. ભારતે ઘર આંગણે છ તથા વેસ્ટ ઈન્ડિઝમાં સાત વખત વિજયધ્વજ ફરકાવ્યો છે. 

બુધવારની મેચમાં પહેલા બેટિંગ કરતાં ભારતે પાંચ વિકેટે 351 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. જો કે, એકપણ ભારતીય બેટ્સમેન સદી કરી શક્યો નહોતો, પણ ટોપના ચાર બેટર્સે શાનદાર અડધી સદીઓ કરી હતી. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 35.3 ઓવર્સમાં ફક્ત 151 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 

ભારતના યુવા ખેલાડીઓની ટીમે સીરીઝમાં પહેલીવાર પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. ઈશાન કિશન અને શુભમન ગિલે ઓપનિંમાં 142 રનની ઝમકદાર ભાગીદારી 19.4 ઓવર્સમાં કરી હતી. કિશને 64 બોલમાં 77 અને ગિલે 92 બોલમાં 85 રન કર્યા હતા. સંજુ સેમસને 41 બોલમાં 51 અને સુકાની હાર્દિક પંડ્યાએ 52 બોલમાં અણનમ 70 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવે પણ 30 બોલમાં 35 કર્યા હતા. 

વેસ્ટ ઈન્ડિઝના ગુડાકેશ મોતી 10 ઓવરમાં એક મેઈડન સાથે ફક્ત 38 રન આપી એક વિકેટ સાથે સૌથી અસરકારક બોલર રહ્યો હતો, તો જેડેન સીલ્સ 8 ઓવર્સમાં 75 રન આપી સૌથી મોંઘો સાબિત થયો હતો. એકમાત્ર રોમારીઓ શેફર્ડને બે વિકેટ મળી હતી. 

જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત જ નબળી રહી હતી, પહેલી વિકેટ ફક્ત એક રનમાં ગુમાવ્યા પછી છેક સાતમી વિકેટની ભાગીદારીએ 25 રન અને પછી નવમી વિકેટની ભાગીદારીએ 55 રન કર્યા હતા. એકંદરે ટીમ ફક્ત 151 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારતનો રવિન્દ્ર જાડેજા બોલિંગમાં નિસ્તેજ રહ્યો હતો અને તેણે 5.80 ની એવરેજથી પાંચ ઓવરમાં 29 રન આપ્યા હતા. તો શાર્દુલ ઠાકુરે 6.3 ઓવરમાં 37 રન આપી ચાર વિકેટ લીધી હતી, જ્યારે મુકેશ કુમારે 3, કુલદીપ યાદવે બે અને જયદેવ ઉનડકટે એક વિકેટ લીધી હતી.  શુભમન ગિલને પ્લેયર ઓફ ધી મેચ તથા ઈશાન કિશનને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયા હતા. 

LEAVE A REPLY