ભારતના કર્મચારીઓને ચાલુ વર્ષે એશિયામાં સૌથી વધુ વેતનવધારો મળવાનો અંદાજ છે. આ વર્ષે ટોચની પ્રતિભાઓને 15%થી 30% જેટલો મોટો વેતન વધારો મળી શકે છે. દેશમાં 2023માં સરેરાશ ધોરણે વેતનવધારો 9.8 ટકા રહેશે. ગયા વર્ષે વેતનમાં 9.4 ટકા વધારો થયો હતો, એમ કન્સલ્ટન્સી કંપની કોર્ન ફેરીના એક સર્વેમાં જણાવાયું છે.
ભારતમાં વેતનમાં સરેરાશ 9.8 ટકાનો વધારો થશે. આની સામે ઓસ્ટ્રેલિયામાં 3.5%, ચીનમાં 5.5%, હોંગકોંગમાં 3.6%, ઈન્ડોનેશિયામાં 7%, કોરિયા 4.5%, મલેશિયામાં 5%, ન્યુઝીલેન્ડમા 3.8%, ફિલિપાઈન્સમાં 5.5%સિંગાપોરમાં 4 ટકા, થાઇલેન્ડમાં 5 ટકા અને વિયેતનામાં 8 ટકાનો વેતન વધારો થશે.
સર્વેમાં આવરી લેવામાં આવેલી 60 ટકા કંનીઓ વર્કનું હાઇબ્રિડ મોડલ અપનાવે છે. મુખ્ય મેટ્રોપોલિટન સેન્ટર્સ એટલે પ્રથમ શ્રેણીના શહેરોના કર્મચારીઓને વધુ વેતન મળે છે. જોકે કંપનીઓમાં આ પેટર્ન બદલાઈ રહી છે, કારણ કે હાઇબ્રિડ અને રિમોટ વર્કિંગ હવે એક ધોરણ બની રહ્યું છે.
સરવેમાં જણાવાયું છે કે હાઇટેક ઇન્ડસ્ટ્રીઝ, લાઇફ સાયન્સ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં વેતનમાં વધારો 10 ટકાથી વધુ હશે. વિશ્વના સૌથી વધુ ઝડપથી વિકસતા અર્થતંત્રોમાં ભારતનો સમાવેશ થાય છે. ભારતની વસતિ પણ વધુ છે, તેથી દર વર્ષે લાખ્ખો લોકો શ્રમ બજારમાં પ્રવેશ કરે છે. જોકે ગુણવત્તાસભર શિક્ષણમાં તફાવત હોવાથી પ્રતિભાશાળી કર્મચારીઓ માટે સ્પર્ધા થતી હોય છે. ભારતમાં એકંદરે બેરોજગારી દર ઊંચો છે, પરંતુ પ્રતિભાની પણ અછત છે.
કોર્ન ફેરીએ આશરે 8 લાખ કર્મચારીઓને રોજગારી આપતી 818 કંપનીઓને આવરી લઇને આ સર્વે કર્યો હતો. સર્વેમાં બહાર આવ્યું છે કે 61 ટકા કંપનીઓ તેમના ચાવીરુપ કર્મચારીઓને રિટેન્શન પેમેન્ટ આપી રહી છે.