ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં ત્રણ વન-ડેની સીરીઝ 3-0થી ક્લીન સ્વિપ કર્યા પછી પહેલી ટી-20માં પણ વેસ્ટ ઈન્ડિઝને 68 રને હરાવી પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. જો કે, સોમવારે (1 ઓગસ્ટ) રમાયેલી બીજી ટી-20માં વેસ્ટ ઈન્ડિઝનો વિજય થતાં સીરીઝ બરાબરીમાં આવી ગઈ છે. પાંચ મેચની આ સીરીઝની છેલ્લી બે મેચ અમેરિકામાં રમાવાની છે.
સોમવારની મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતાં 138 રન કર્યા હતા અને છેલ્લી ઓવરમાં તેની અંતિમ વિકેટ પણ પડી હતી. હાર્દિક પંડ્યાના 31, રવિન્દ્ર જાડેજાના 27 અને ઋષભ પંતના 24 મુખ્ય હતા, તો કેરેબિયન બોલર ઓબેદ મેકોયે ચાર ઓવરમાં એક મેઈડન સાથે ફક્ત 17 રન આપી છ વિકેટ ખેરવી હતી.
જવાબમાં ભારતીય બોલર્સે પણ અસરકારક બોલિંગ દ્વારા વેસ્ટ ઈન્ડિઝને પરેશાન કર્યું હતું અને છેક છેલ્લી ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝ પાંચ વિકેટે 141 રન કરી વિજયી બન્યું હતું. બ્રેન્ડન કિંગે 68 અને ડેવોન થોમસે અણનમ 31 કર્યા હતા, તો ભારત તરફથી પાંચ બોલર્સને એક-એક વિકેટ મળી હતી.
અગાઉ ટ્રિનિડાડના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી-20માં ભારતે છ વિકેટે190 રન કર્યા હતા, તેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ 8 વિકેટ ગુમાવી ફક્ત 122 રન સુધી પહોંચી શક્યું હતું. વેસ્ટ ઈન્ડિઝના સુકાની પૂરને ટોસ જીતી પહેલા ભારતને બેટિંગ લેવાનું કહ્યું હતું.
ભારત તરફથી સુકાની રોહિત શર્માએ 44 બોલમાં 64 અને દિનેશ કાર્તિકે 19 બોલમાં 41 રન કરી ટીમને પડકારજનક સ્કોર ખડકી દેવામાં મુખ્ય ફાળો આપ્યો હતો. જવાબમાં ભારતે શરૂઆતથી જ વેસ્ટ ઈન્ડિઝની વિકેટો ખેરવી તેને ક્યારેય પડકારની સ્થિતિમાં પહોંચવા જ દીધી નહોતી.
ત્રિનિડાડના બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારત નવોદિત ઝડપી બોલર અર્શદીપ સિંઘ, રવિ બિશ્નોઈ અને પીઢ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને 2-2 વિકેટ તથા ભૂવનેશ્વર અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી હતી. દિનેશ કાર્તિકને તેની શાનદાર બેટિંગ બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.