ANI Photo/)

વેસ્ટ ઈન્ડિઝે બીજી વન-ડેમાં ભારતને છ વિકેટે હરાવી ત્રણ મેચની સીરીઝમાં બરાબરી હાંસલ કરી લીધી હતી. શનિવારે બાર્બાડોઝના બ્રિજટાઉન ખાતે રમાયેલી બીજી વન-ડેમાં ભારતે સારી શરૂઆત પછી ધબડકો વાળતાં ટીમ 40.5 ઓવર્સમાં ફક્ત 181 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતના પ્રમાણમાં નબળી શરૂઆત છતાં મધ્ય ક્રમની મક્કમ બેટિંગ સાથે 36.4 ઓવર્સમાં જ 182 રનનો ટાર્ગેટ ફક્ત ચાર વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો અને એ રીતે છ વિકેટે વિજય નોંધાવ્યો હતો. 

વેસ્ટ ઈન્ડિઝના સુકાની શાઈ હોપે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. ભારતના ઓપનર્સ ઈશાન કિસન અને શુભમન ગિલે ટીમને સારી શરૂઆત આપી હતી. 90 રનની ભાગીદારી પછી ગિલે પહેલા વિદાય લીધી હતી અને પછી ઈશાન કિસન પણ પાંચ રન ઉમેરી આઉટ થયો હતો. ગિલે 49 બોલમાં 34 અને કિસને 55 બોલમાં 55 રન કર્યા હતા. બસ એ પછી કોઈ બેટર ખાસ ટક્યો નહોતો અને સૂર્યકુમાર યાદવના 24 તથા શાર્દુલ ઠાકુરના 16 રન નોંધપાત્ર રહ્યા હતા. એકંદરે ભારત 181 રનમાં ઓલઆઉટ થયું હતું. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ગુડાકેસ મોતી અને રોમારીઓ શેફર્ડે 3-3 તથા અલઝારી જોસેફે 2 વિકેટ લીધી હતી.

જવાબમાં વેસ્ટ ઈન્ડિઝના ઓપનર્સ બ્રેન્ડન કિંગ અને કાયલ માયર્સે પણ 53 રનની સારી ઓપનિંગ ભાગીદારી કરી હતી. એ પછી શાર્દુલ ઠાકુર ત્રાટ્કયો હતો અને તેણે એક જ ઓવરમાં બન્ને ઓપનર્સને પેવેલિયન ભેગા કર્યા હતા. એ પછી તેણે એલિક અથાનાઝેની વિકેટ પણ ખેરવી હતી. પણ સુકાની શાઈ હોપ અને કેસી કાર્ટીએ પાંચમી વિકેટની અણનમ ભાગીદારીમાં 91 રન કરી ટીમને વિજયની મંઝિલે પહોંચાડી દીધી હતી. હોપ 63 અને કાર્ટી 48 રને અણનમ રહ્યા હતા. શાઈ હોપને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. 

અગાઉ ગુરૂવારે બ્રિજટાઉનમાં જ રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારતે યજમાનને પાંચ વિકેટે હરાવી વન-ડે સીરીઝનો વિજયી આરંભ કર્યો હતો.  

ભારતે ટોસ જીતી વેસ્ટ ઈન્ડિઝને બેટિંગ લેવાનું આમંત્રણ આપ્યું હતું. અને વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ તદ્દન નબળી પુરવાર થઈ હતી, ફક્ત 23 ઓવરમાં કુલ 114 રન કરી ટીમ ઓલાઉટ થઈ ગઈ હતી. સુકાની શાઈ હોપે સૌથી વધુ 43 રન કર્યા હતા, તો અથાનાઝેએ 22, કિંગે 17 અને હેટમાયરે 11 રન કર્યા હતા. સુકાની શાઈ હોપની મહત્ત્વની સહિત છેલ્લી ચાર વિકેટ કુલદીપ યાદવે ફક્ત ત્રણ ઓવરમાં ખેરવી હતી. તેની બે ઓવર તો મેઈડન રહી હતી અને એક ઓવરમાં યાદવે ફક્ત છ રન આપ્યા હતા. 

જવાબમાં ભારતની પણ શરૂઆત તો ખાસ સારી નહોતી રહી, પણ ઓપનર ઈશાન કિશને 52 રનનો સૌથી વધુ સ્કોર કર્યો હતો અને 92 રને તે ચોથી વિકેટમાં આઉટ થયા પછી મોડે મોડે બેટિંગમાં ઉતરેલા રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ છઠ્ઠી વિકેટની અણનમ ભાગીદારીમાં 21 રન કર્યા હતા, ભારતે પાંચ વિકેટે 118 રન કરી 23મી ઓવરમાં જ વિજય ધ્વજ ફરકાવ્યો હતો. કુલદીપ યાદવને તેની શાનદાર બોલિંગ બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

 

LEAVE A REPLY