આ મહિને જ યુએઈમાં શરૂ થનારી એશિયા કપ ટી-20 ટુર્નામેન્ટ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમની જાહેરાત સોમવારે કરી હતી. ટુર્નામેન્ટ 27 ઓગસ્ટે શરૂ થશે અને 11 સપ્ટેમ્બરે ફાઇનલ રમાશે. ભારતીય ટીમમાં ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી અને કે. એલ. રાહુલને ફરી તક અપાઈ છે, તો ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની તકલીફના કારણે આરામમાં રહેશે.
ભારત 28 ઓગસ્ટે પાકિસ્તાન સામેની મેચ સાથે ટુર્નામેન્ટનો આરંભ કરશે. ટીમ આ મુજબ છેઃ રોહિત શર્મા (કેપ્ટન), કે. એલ. રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચન્દ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ તથા આવેશ ખાન. સૌથી ચોંકાવનારી વાત એ છે કે શ્રેયસ અય્યરને તક અપાઈ નથી, તો સંજુ સેમસનને પણ નજરઅંદાજ કરાયો છે.