ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(એફટીએ)ની મંત્રણાના ભાગરૂપે બ્રિટન પાસેથી બાસમતિ ચોખા પરની આયાત ડયૂટીમાં ઘટાડો થાય તેમ ભારત ઈચ્છે છે.
બ્રિટનમાં ભારતના બાસમતિની કેટલીક જાતો પર લાગુ કરાયેલી ઈમ્પોર્ટ ડયૂટીને કારણે ભારતને પાકિસ્તાન સાથેની સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.
સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, બ્રિટનમાં ભારતના ચોખાની વધુ માગ ઊભી થાય અને વેપારમાં વધારો થાય તેવા પ્રયાસો ભારત કરી રહ્યું છે. એગ્રીમેન્ટ અંગેની હવે પછીની મંત્રણા આ મહિનાના અંતે થશે.
આ મંત્રણાની મુખ્ય બાબતોમાં બાસમતિ પરની ડયૂટીમાં ઘટાડો પણ એક મુખ્ય બાબત હશે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા મુજબ ભારતના બ્રાઉન રાઈસ પર યુકે પ્રતિ ટન રૂ. ૫૮૮૦ જ્યારે વ્હાઈટ ચોખા પર પ્રતિ ટન રૂ. ૧૩૧૨૬ ડયૂટી વસૂલે છે.
યુકે જ્યાં સુધી યુરોપનો હિસ્સો હતું ત્યાં સુધી ભારત આ વિસ્તારમાં અંદાજે ૪.૫૦ લાખ ટન બાસમતિ ચોખાની નિકાસ કરતું હતું. જોકે પાકિસ્તાન ખાતેથી સ્પર્ધા વધતા આ આંકડો ઘટીને બેથી સવા બે લાખ ટન પર આવી ગયો છે.