એશિયા કપ 2023માં બુધવારે રમાયેલી સુપર-4ના મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને છેલ્લા બોલે બે વિકેટે પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આની સાથે આ ટાપુ દેશે 12મી વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો હતી. ભારત ગ્રુપ Aમાં ટોચ પર રહીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યારે શ્રીલંકાએ સુપર 4 તબક્કામાં પાકિસ્તાનને હરાવીને ક્વોલિફાય કર્યું હતું. ફાઇનલ 17 સપ્ટેમ્બર, 2023ના રોજ શ્રીલંકાના કોલંબોમાં આર. પ્રેમદાસા ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો વચ્ચેની મેચ રોમાંચક મેચ થવાની અપેક્ષા છે. ભારત 2022ની ફાઇનલમાં શ્રીલંકા સામેની હારનો બદલો લેવાનું વિચારશે, જ્યારે શ્રીલંકા તેના ખિતાબને બચાવવાની કોશિશ કરશે.
શ્રીલંકા-પાકિસ્તાનની મેચ DLS મુજબ રમાઈ હતી જેનો નિર્ણય છેલ્લા બોલ પર થયો હતો. આ મેચ પહેલા વરસાદના કારણે 45-45 ઓવરની રમાનાર હતી, પરંતુ મેચની વચ્ચે પણ વરસાદનું વિઘ્ન આવતા મેચ 42-42 ઓવરની કરાઈ હતી.
પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા સાત વિકેટ ગુમાવીને 252 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી રિઝવાને તોફાની બેટિંગ કરીને 86 રન બનાવ્યા હતાં, ઈફ્તિખારે 47 રન બનાવીને રિઝવાન સાથે સદીની મહત્વની ભાગીદારી કરી હતી. શ્રીલંકાની ટીમને DLS નિયમ મુજબ 252 રનનો જ ટાર્ગેટ મળ્યો હતો. શ્રીલંકાની ટીમે આ ટાર્ગેટ આઠ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. શ્રીલંકા તરફથી સૌથી વધારે 91 રન કુસલ મેંડિસે બનાવ્યા હતા. ચારિથ અસલંકાએ અણનમ 49 તેમજ સદીરા સમરવિક્રમાએ પણ 48 રન બનાવી ટીમના વિજયમાં મહત્વનું યોગદાન આપ્યુ હતું.
મેચ ખુબ જ રોમાંચક રહેતા મેચનો નિર્ણય છેલ્લા બોલ પર આવ્યો હતો. આ મેચમાં શ્રીલંકાની ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 8 રનની જરુર હતી, જેમાં પહેલા ત્રણ બોલમાં ફક્ત 2 રન જ થયા હતા. આ પછી ચોથા બોલે શ્રીલંકાએ તેની આઠમી વિકેટ ગુમાવી હતી અને મેચ પાકિસ્તાન તરફ પલટાયો હતો અને શ્રીલંકાને છેલ્લા બે બોલમાં 6 રનની જરુર હતી અને તેની પાસે બે જ વિકેટ હતી. જો કે પાંચમાં બોલે અસલંકાએ ચોકો ફટકાર્યો હતો અને બાદમાં છેલ્લા બોલમાં તેણે બે રન લેતા જ ટીમને જીત અપાવી હતી.