
ક્રાઇસ્ટચર્ચમાં યજમાન ન્યૂઝીલેન્ડે બીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતને સાત વિકેટે હરાવીને 2-0થી સીરિઝ જીતી લીધી છે. વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પણ ભારત 10 વિકેટે હાર્યું હતું. ભારતે બીજી ટેસ્ટ મેચમાં ટોસ હારીને પ્રથમ દાવમાં 242 રન કર્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે 235 રન જ કર્યા હતા. બીજા દાવમાં 7 રનની લીડ સાથે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમ 124 રનમાં જ ઓલઆઉટ થઇ હતી. ન્યૂઝીલેન્ડે 132 રનનો લક્ષ્યાંક 3 વિકેટે હાંસલ કર્યો હતો. ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ટી-20 સિરીઝમાં 5-0થી વિજય પછી ભારતે વન-ડે સીરીઝમાં 0-3થી અને ટેસ્ટ સીરીઝ 0-2થી ગુમાવી છે.
ન્યૂઝીલેન્ડના ટોમ લેથમે કારકિર્દીની 18મી અર્ધ સદી – 74 બોલમાં 10 ચોગ્ગા સાથે 52 રન કર્યા હતા. ટોમ બ્લેન્ડલે 113 બોલમાં આઠ ચોગ્ગા અને એક સિક્સર સાથે 55 રન કર્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે બે અને ઉમેશ યાદવે એક વિકેટ લીધી હતી.
