ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની ટી20 મેચની સિરિઝમાં ભારત હવે 4.00થી આગળ થઈ ગયું છે. આજની મેચમાં ભારતે આપેલા 166 રનના લક્ષ્યાંક સામે ન્યૂઝિલેન્ડે 165 રન બનાવ્યા હતાં અને મેચ ટાઈ થઈ હતી. ત્યારે ગત મેચની જેમ આ મેચમાં પણ સુપર ઓવર રમાઈ અને તેમાં ભારતની જીત થઈ. ગત મેચમાં મેચનો હીરો રોહિત શર્મા હતો.
તેણે છેલ્લા બે બોલમાં સિક્સર મારીને ટીમને જીત અપાવી હતી. ત્યારે આજે મેચના હિરો તરીકે કે. એલ રાહુલ છે. રાહુલે સુપર ઓવરમાં 14 રનનાં લક્ષ્યાંકને પ્રથમ બોલે સિક્સર અને બીજા બોલે ફોર મારીને હળવો કરી નાંખ્યો હતો. ત્યાર બાદ તે બાઉન્સર બોલને ફટકારતાં બાઉન્ડ્રી પર કેચ આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ સંજુ સેમસન નોન સ્ટ્રાઈક પર આવ્યો હતો. હવે વિરાટ કોહલીએ એક બોલમાં બે રન લીધા હતા અને પછીના બોલમાં ફોર મારીને ભારતને સતત 4થી ટી20માં જીત અપાવી હતી.
166 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા 22 રન પર ન્યૂઝીલેન્ડની પ્રથમ વિકેટ પડી હતી. માર્ટિન ગુટ્પિલ 4 રને આઉટ થયો હતો. ત્યાર બાદ કોલિન મુનરો અને ટિમ શિફર્ટ સારી બેટિંગ કરી ન્યૂઝીલેન્ડની ઈનિંગને આગળ વધારી હતી. 12 ઓવરમાં 96 રન પર ત્રીજી વિકેટ પડી હતી. મુનરો 64 રન બનાવી આઉટ થયો હતો. 97 રન પર જ ન્યૂઝીલેન્ડની ત્રીજી વિકેટ પડી હતી. ટોમ બ્રુસ શૂન્ય રને આઉટ થયો હતો.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 14 રન પર ભારતની પ્રથમ વિકેટ પડી હતી. સંજૂ સેમસન આઠ રન બનાવી આઉટ થયો હતો. ભારતની બીજી વિકેટ 48 રને પડી હતી. વિરાટ કોહલી 11 રન બનાવી આઉટ થયો હતો. 53 રન પર ભારતની ત્રીજી વિકેટ પડી હતી. શ્રેયસ અય્યર 1 રન બનાવી આઉટ થયો હતો.
એક છેડે વિકેટો પડી રહી હતી અને બીજી તરફ તોફાની બેટિંગ કરી રાહુલ ભારતના સ્કોરને 10ની રનરેટથી આગળ વધારી રહ્યો હતો. પરંતુ નવમી ઓવરમાં તે આઉટ થઈ ગયો હતો. 75 રન પર ભારતની ચોથી વિકેટ પડી હતી. તેણે 26 બોલમાં બે છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. શિવમ દૂબેના રૂપમાં ભારતની પાંચમી વિકેટ પડી હતી. તે 9 બોલમાં 12 રન બનાવી આઉટ થયો હતો.
આજની મેચમાં તક આપવામાં આવનાર વોશિંગ્ટન સુંદર શૂન્ય રને આઉટ થયો હતો. 88 રન પર ભારતની છઠ્ઠી વિકેટ પડી હતી. 17મી ઓવરમાં ભારતની સાતમી વિકેટ પડી હતી. 15 બોલમાં 20 રન બનાવી શાર્દુલ ઠાકુર આઉટ થયો હતો. 143 રન પર ભારતની આઠમી વિકેટ પડી હતી. ચહલ એક રન બનાવી આઉટ થયો હતો.