ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પેલેસ્ટિનિયન વિસ્તારોમાં ઈઝરાયલી વસાહતોની સ્થાપના વિરુદ્ધના એક ઠરાવની તરફેણમાં મતદાન આપ્યું હતું. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી ભારતે યુએનમાં લાવવામાં આવેલા ઠરાવથી પોતાને દૂર રાખ્યો હતો. ભારતે હમાસના ત્રાસવાદી હુમલાની નિંદા કરી હતી, બીજી તરફ ગાઝામાં માનવતાવાદી સહાયની હિમાયત કરી રહ્યો છે.
યુએનમાં પ્રથમ વખત ભારતે ઈઝરાયેલની વસાહતો વિરુદ્ધ વોટ આપ્યો હતો. આ વોટિંગમાં કુલ 145 દેશોએ ભાગ લીધો હતો અને 18 દેશો મતદાનમાં ગેરહાજર રહ્યા હતા. અમેરિકા, ઈઝરાયેલ, હંગેરી, કેનેડા, માર્શલ આઈલેન્ડ, માઈક્રોનેશિયાએ પ્રસ્તાવના વિરોધમાં વોટ આપ્યો છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ઠરાવ પર ભારતનો નિર્ણય આ મુદ્દા અંગે તેની સુસંગત નીતિઓ પર આધારિત હતો. નવી દિલ્હીના મત અંગે સ્પષ્ટતા કરતા ભારતના નાયબ સ્થાઈ પ્રતિનિધિ યોજના પટેલે જણાવ્યું હતું કે અમારી સહાનુભૂતિ બંધકો સાથે પણ છે. અમે તેમની તાત્કાલિક અને બિનશરતી મુક્તિ માટે હાકલ કરીએ છીએ. ભારત હંમેશા ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે વાટાઘાટો દ્વારા દ્વિ-રાષ્ટ્રના સિદ્ધાંતમાં વિશ્વાસ ધરાવે છે. જેથી ઇઝરાયેલ સાથે શાંતિથી સુરક્ષિત અને માન્ય સરહદોની અંદર રહેતા એક સાર્વભૌમ, સ્વતંત્ર અને વ્યવહારુ પેલેસ્ટાઇન રાજ્યની સ્થાપના થઈ શકે.