સ્પિનર્સ યુઝવેન્દ્ર ચહલે ૪૯ રનમાં ચાર અને વોશિંગ્ટન સુંદરે ૩૦ રનમાં ત્રણ વિકેટ લઈ વેસ્ટ ઈન્ડિઝને પહેલી વન-ડેમાં 176 રનમાં જ પેવેલિયન ભેગા કરી દીધા પછી કેપ્ટન રોહિત શર્માએ ૬૦ રનની મહત્ત્વની ઈનિંગ સાથે ભારતને અમદાવાદમાં રવિવારે રમાયેલી પ્રથમ વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટે હરાવી સિરિઝનો વિજયી આરંભ કર્યો હતો.
અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ૨૦ વર્ષ પછી વન-ડે જંગમાં ભારતે વિજય હાંસલ કર્યો હતો. આ અગાઉ ૨૦૦૨માં ભારતે વેસ્ટ ઈન્ડિઝને પાંચ વિકેટે હરાવ્યું હતુ. આ ઉપરાંત, ભારતની આ 1000મી વન-ડે મેચ હતી.
ચહલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી વેસ્ટ ઈન્ડિઝને બેટિંગમાં મોકલવાનો નિર્ણય લીધો હતા. વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત જ સારી રહી નહોતી. મોહમદ સિરાજે ત્રીજી જ ઓવરમાં શાઈ હોપ (૮)ને ક્લિન બોલ્ડ કર્યો હતો. બ્રેન્ડન કિંગ અને બ્રાવોએ ૩૧ રનની ભાગીદારી સાથે સ્થિરતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ એ પછી વોશિંગ્ટન સુંદર અને યુઝવેન્દ્ર ચહલે બે-બે બોલમાં બે-બે વિકેટ ખેરવી કેરેબિયન્સની બાજી બગાડી હતી. ઈનિંગની ૧૨મી ઓવરમાં સુંદરે કિંગ અને બ્રાવોને પેવેલિયન ભેગા કર્યા હતા. એ પછી ચહલે ઈનિંગની ૨૦મી ઓવરમાં પૂરણ અને પોલાર્ડને આઉટ કરતાં પ્રવાસીઓએ ૭૧ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતો.
એ પછી, ચહલે બ્રૂક્સને તથા પ્રસિધ ક્રિશ્નાએ અકીલ હુસેનને આઉટ કરી વેસ્ટ ઈન્ડિઝ ૭૯ રનમાં ૭ વિકેટ ગુમાવી કંગાળ હાલતમાં આવી ગયું હતુ. પણ જેસન હોલ્ડર અને એલને લડત ભાગીદારીમાં ૭૮ રન કરી સ્થિતિ સુધારી હોવા છતાં વિન્ડિઝની ઈનિંગ ૪૩.૫ ઓવરમાં સમેટાઈ હતુ.
વિજય માટે ૧૭૭ રનના ટાર્ગેટ સાથે ભારતે આત્મવિશ્વાસ સાથે શરૂઆત કરી હતી. રોહિત શર્માએ ૫૧ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૬૦ રન કરી ઇશાન કિશન સાથે ૮૪ રનની ભાગીદારી કરી હતી. સૂર્યકુમાર અને પ્રથમ વન-ડે રમતા હૂડાએ અણનમ ૬૨ રનની ભાગીદારી કરી ટીમને મંઝિલે પહોંચાડી હતી. સૂર્યકુમાર ૩૪ અને હૂડા ૨૬ રને અણનમ રહ્યા હતા.