ભારતમાં ચાલુ મહિનાના અંત સુધીમાં કોરોના વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી મળે તેવી શક્યતા છે, તેવી એઈમ્સના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ ગુરુવારે આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ મહિનાના અંતમાં અથવા તો જાન્યુઆરી મહિનાના પ્રારંભમાં સરકાર વેક્સિનના ઇમર્જરન્સી ઉપયોગને મંજૂરી આપી દેશે. ઉલ્લેખનીય છે કે, બ્રિટને ફાઈઝરની વેક્સિનને ઇમર્જન્સી ઉપયોગને માટે મંજૂરી આપી છે.
તેમણે કહ્યું હતું કે, ભારતમાં પણ કોરોનાની કેટલીક વેક્સિનની ટ્રાયલ હવે પૂરી થવાના આરે છે ત્યારે ભારતમાં પણ ડ્રગ કંટ્રોલર દ્વારા તેના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી અપાઈ શકે છે. એ પછી લોકોને વેક્સિન આપવાનુ શરુ કરાશે. આપણી પાસે એ વાતને સાબિત કરતા પૂરતા ડેટા છે કે, વેક્સિન સેફ છે અને સુરક્ષા સાથે કોઈ સમાધાન કરાયું નથી.
ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન- કોવિશીલ્ડના ફેઝ-3ની ક્લિનિકલ ટ્રાયલ્સનાં પરિણામો આંતરરાષ્ટ્રીય સ્તરે આવી ચૂક્યાં છે. એને ભારતમાં બનાવી રહેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના CEO અદર પુનાવાલાએ ગયા સપ્તાહે કહ્યું હતું કે ટૂંક સમયમાં ઈમર્જન્સી યુઝ માટેની અપ્રૂવલ લેવા માટે અરજી કરાશે.