વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં મુલાકાત થઈ હતી. તે પછી બંને નેતાઓ વચ્ચે જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. મોદીએ કહ્યું, બંને દેશો વચ્ચે 3 વર્ષમાં વેપારમાં ડબલ ડિજીટનો વધારો થયો છે. બાઈલેટરલ ટ્રેડના ક્ષેત્રમાં પણ બંને દેશો વચ્ચે સકારાત્મક ચર્ચા થઈ છે. તેમણે કહ્યું કે, અમે એક મોટી ટ્રેડ ડીલ વિશે પણ સહમત થયા છીએ. અમને આશા છે કે, તેના સકારાત્મક પરિણામ આવશે. જ્યારે ટ્રમ્પે સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે, મોદી સાથેની વાતચીતમાં 21.5 હજાર કરોડ રૂપિયાના રક્ષા સોદાને મંજૂરી મળી છે. બંને દેશો આતંકવાદ ખતમ કરવા માટે કામ કરશે અને પાકિસ્તાન પર દબાણ ઉભુ કરશે.
મોદી અને ટ્રમ્પ વચ્ચે પ્રતિનિધિ મંડળસ્તરની વાતચીતમાં ભારત-અમેરિકા વચ્ચે 6 કરારમાં 21 હજાર કરોડ રૂપિયાના મહત્વના ડિફેન્સ સોદા કરવામાં આવ્યા છે. અમદાવાદના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપતિએ આ વિશે જાહેરાત કરી હતી. આ સિવાય ભારત-અમેરિકા વચ્ચે પરમાણુ રિએક્ટર સાથે જોડાયેલા કરાર પણ મહત્વના છે. આ અંતર્ગત અમેરિકા ભારતને 6 રિએક્ટર સપ્લાય કરશે.
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, મોદી સાથે વાતચીતમાં અમે 21.5 હજાર કરોડના રક્ષા સોદાને મંજૂરી આપી છે. અમેરિકા સંતુલિત ટ્રેડ ઈચ્છે છે. અમે હિંદ-પ્રસાંત ક્ષેત્રને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ. બંને દેશો આતંકવાદને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. બંને દેશો આતંકવાદને ખતમ કરવા માટે કામ કરશે. ટ્રમ્પે કહ્યું, જ્યારથી મેં વેપાર સંભાળ્યો છે ત્યારથી અમેરિકાની નિકાસ વધી રહી છે. તે માટે મોદીનો આભાર. મારા કાર્યકાળમાં ભારત સાથેનો વેપાર 60% વધ્યો છે. અમેરિકાનો ભારત સાથેનો વેપાર ખૂબ સારો અનુભવ રહ્યો છે. ડ્રગ્સનો વેપાર રોકવા માટે અમે સમજૂતી કરી છે. દબાણની રાજનીતિ ન થાય તેનો પ્રયત્ન કરવો જોઈએ.
અમેરિકા પાસેથી સી-હોક હેલિકોપ્ટર ખરીદવાની ચર્ચા ઘણાં લાંબા સમયથી ચાલી રહી છે. આ ડીલ નક્કી માનવામાં આવે છે. 21 હજાર કરોડના રક્ષા સોદોમાં માત્ર આ ડીલ માટે જ રૂ. 18,626 કરોડનો ખર્ચ કરવામાં આવશે તેવું માનવામાં આવે છે. નૌસેનાને 24 સી-હોક હેલિકોપ્ટરની જરૂર છે. આ હેલિકોપ્ટર્સ દરેક સીઝનમાં અને દિવસના કોઈ પણ સમયે હુમલો કરવા માટે સક્ષમ છે. છુપાયેલી સબમરિન્સને ટાર્ગેટ કરવામાં આ હેલિકોપ્ટરની કોઈ સરખામણી કરી શકે એમ નથી.
ચોથી જનરેશનનું આ હેલિકોપ્ટર સમગ્ર દુનિયામાં નૌસેના માટે ખૂબ એડ્વાન્સ માનવામાં આવે છે. આ સોદા સિવાય ભારત અમેરિકા પાસેથી 800 મિલિયન ડોલરના 6 એએચ-64ઈ અપાચે હેલિકોપ્ટર્સ ખરીદી શકે છે. તે સાથે જ ભારતને અમેરિકા મિસાઈલ ડિફેન્સ શીલ્ડ પણ વેચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેથી તેઓ રશિયાની એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને ભારત આવતા રોકી શકે.