ભારત અને અમેરિકા વચ્ચે 4-5 જૂનને વ્યૂહાત્મક વેપાર સંવાદની પ્રથમ બેઠક યોજાશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે નિકાસ અંકુશને સરળ બનાવવા, હાઇટેક કોમર્સમાં વધારો કરવા તથા ટેકનોલોજી ટ્રાન્સરની સુવિધા ઊભી કરવા ઇનિશિએટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી (iCET) બેઠકના નિર્ણયોનો અમલ કરાશે.

પ્રથમ iCET સંવાદ બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે 31 જાન્યુઆરીએ થયો હતો. 10 માર્ચે યુએસ કોમર્સ સેક્રેટરી જીના રેમોન્ડો દ્વિપક્ષીય વ્યાપારી સંવાદને ફરીથી શરૂ કરવા માટે ભારત આવ્યા ત્યારે વ્યૂહાત્મક વેપાર બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ભારતીય વિદેશ સચિવ વિનય ક્વાત્રા આવતા મહિનાની શરૂઆતમાં અમેરિકાનો પ્રવાસ કરશે. તેઓ વ્યૂહાત્મક વેપાર સંવાદ બેઠક માટે અમેરિકામાં ઉદ્યોગ અને સુરક્ષા માટે અંડર સેક્રેટરી એલન એસ્ટેવેઝ સાથે બેઠક યોજશે. ક્વાત્રા 22 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્હાઇટ હાઉસ મુલાકાત માટેની અંતિમ ઘડીની તૈયારીઓ પણ કરશે. વડાપ્રધાન મોદી જાપાનમાં 19-21મેએ યોજાનારી G-7 બેઠક તથા QUAD સમિટ દરમિયાન પ્રેસિડન્ટ બાઇડનને મળે તેવી અપેક્ષા છે.

વોશિંગ્ટન અને નવી દિલ્હી સ્થિત રાજદ્વારીઓના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીની યુએસ મુલાકાત પહેલા ભારતમાં સંયુક્ત રીતે F-414 જેટ એન્જિનનું ઉત્પાદન કરવા માટે જનરલ ઇલેક્ટ્રિકની અરજીને અમેરિકા મંજૂરી આપે તેવી અપેક્ષા છે. અમેરિકાની અગ્રણી ડિફેન્સ કંપની GE  F-414 એન્જિનના ઉત્પાદનને ભારતમાં શિફ્ટ કરવા માટે EUમાં તેના ભાગીદારો સાથે વાતચીત કરી રહી છે.

ભારત અને અમેરિકાના સ્ટાર્ટ-અપના જોડાણ માટેનો ઇનોવેશન બ્રિજ શરૂ કરવા ઉપરાંત ભારત ઇન્ડો-પેસિફિકમાં દરિયાઇ સુરક્ષામાં વધારો કરવા માટે અમેરિકાની ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને રિકોનિસન્સ (ISR) ટેક્નોલોજીની પણ મેળવવા માગે છે.

 

LEAVE A REPLY