રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા વચ્ચે ભારતે તેના નાગરિકોને હંગામી ધોરણે યુક્રેન છોડી દેવાની મંગળવારે એડવાઇઝરી જારી કરી હતી. યુક્રેન ખાતેની ઇન્ડિયન એમ્બેસીએ મંગળવારે ટ્રાવેલ એડવાઇઝરી જારીને ભારતના નાગરિકોને યુક્રેન છોડી દેવાની સૂચના આપી હતી.
એમ્બેસીએ જણાવ્યું હતું કે યુક્રેનની હાલનની અનિશ્ચિતતાને પગલે ભારતના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને હંગામી ધોરણે યુક્રેન છોડી દેવાની સૂચના આપવામાં આવે છે. ભારતની એમ્બેસીએ યુક્રેનમાં રહેતા ભારતના નાગરિકોની તેમના સ્થળ અંગેની જાણકારી આપવાનો પણ અનુરોધ કર્યો હતો. છેલ્લાં કેટલાંક દિવસોમાં વિશ્વના સંખ્યાબંધ દેશોએ યુક્રેનમાં તેમના ડિપ્લોમેટિક સ્ટાફમાં ઘટાડો કરવાનો અને પોતાના નાગરિકોને યુક્રેન છોડી દેવાની સલાહ આપી છે. આવા દેશોમાં અમેરિકા, જર્મની, ઇટલી, બ્રિટન, આર્યલેન્ડ, બેલ્જિયમ, નેધરલેન્ડ, કેનેડા, નોર્વે, ઓસ્ટ્રેલિયા, જાપાન, ઇઝરાયેલ, સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમિરતા સહિતના દેશોનો સમાવેશ થાય છે.