ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)માં ભારત-યુકે ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યુરિટી કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. બે દિવસની કોન્ફરન્સનું ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે એનએફએસયુના ડાયરેક્ટર જનરલ ડૉ જે એમ વ્યાસ અને બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર ક્રિસ્ટીના સ્કોટ હાજર રહ્યાં હતા.

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયની સૌથી મોટી સમસ્યા સાયબર ક્રાઈમ છે. સાયબર ક્રાઈમ માત્ર આર્થિક જ નહીં પરંતુ તે સામાજિક અપરાધ પણ છે. જેને કારણે અનેક લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે. ફોરેન્સિક સાયન્સ આવા ગુનાઓની તપાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં યુકે અને NFSUના નિષ્ણાતો, સાયબર ક્રાઈમ અંગે જે કંઈ તારણો રજૂ કરશે, તે ગુજરાત માટે પણ ખૂબ ઉપયોગી બની રહેશે.

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના કુલપતિ ડૉ. જે એમ વ્યાસે જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સ વિશ્વમાં ડાર્ક વેબ, ક્રિપ્ટો કરન્સી સહિતના પડકારોનો સામનો કરવા માટે તમામ પ્રકારની અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ મજબૂત મિકેનિઝમની ઊભું કરવામાં સહાયરૂપ બનશે. સાયબર ક્રાઈમના સંદર્ભમાં ગુનેગારો દ્વારા અપનાવવામાં આવતી પદ્ધતિઓ દરેક દેશમાં જુદી-જુદી જોવા મળે છે. વર્તમાન ઇન્ટરનેટના સમયમાં ગુનેગારો દુનિયાના એક ખૂણે બેસીને અન્ય દેશોમાં સાયબર ક્રાઇમ કરે છે. આવા સંજોગોમાં બે દેશોના નિષ્ણાતો પરસ્પર સહકારથી સાયબર ક્રાઈમને નિવારવા અને ગુનેગારોને શોધી કાઢવા માટે એક વ્યવસ્થિત નેટવર્ક ઊભું કરવા માટે દિશા સૂચવશે.

આ કોન્ફરન્સમાં રાજ્ય પોલીસ અને સાયબર ક્રાઈમ સાથે કામ કરતી કેન્દ્રીય એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓનો ભાગ લઈ રહ્યાં છે.

LEAVE A REPLY