મોદી સરકારે ગુરુવારે, 20 ઓગસ્ટે સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ના પરિણામોની જાહેરાત કરી હતી, જેમાં ફરી એક વખત ઈન્દોરે બાજી મારી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦માં ઈન્દોર સતત ચોથા વર્ષે ટોચ પર આવ્યું છે જ્યારે દેશના ટોચના ૧૦ સ્વચ્છ શહેરોની યાદીમાં ગુજરાતના ચાર મહાનગરોનો સમાવેશ થયો છે.
સુરત બીજા ક્રમે, અમદાવાદ પાંચમા, રાજકોટ છઠ્ઠા અને વડોદરા ચોથા ક્રમે છે. મહારાષ્ટ્રનું નવી મુંબઈ ત્રીજા ક્રમે આવ્યું છે. અગાઉ કેન્દ્ર સરકારે ચાર વખત દેશના સ્વચ્છ શહેરોના સરવે કર્યા છે. જ્યારે નાના શહેરોની યાદીમાં ગયા શહેર સૌથી ગંદુ છે જ્યારે મોટા શહેરોની યાદીમાં પટના સૌથી ગંદુ શહેર છે.
કેન્દ્ર સરકારે દેશના સૌથી સ્વચ્છ શહેરોની જાહેર કરેલી યાદીમાં નવી મુંબઈ ત્રીજા ક્રમે છે. વડાપ્રધાન મોદી જ્યાંથી સાંસદ છે તે ઉત્તર પ્રદેશનું આધ્યાત્મિક શહેર વારાણસી ગંગા કિનારે વસેલા શહેરોમાં સૌથી સ્વચ્છ શહેર છે, ત્યાર બાદ કાનપુર, મુંગેર, પ્રયાગરાજ અને હરિદ્વારનો સમાવેશ થાય છે. દેશના સૌથી સ્વચ્છ ૪૭ શહેરોની યાદીમાં બિહારનું પાટનગર પટના સૌથી તળીયે છે.
આ સ્વચ્છતા સરવેમાં રાજ્યોની કેટેગરીમાં ૧૦૦થી વધુ સ્વચ્છ શહેરો સાથે છત્તીસગઢ ‘સૌથી સ્વચ્છ રાજ્ય’ બન્યું છે ત્યાર પછી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ ‘સ્વચ્છ સર્વેક્ષણ ઍવોર્ડ્સ ૨૦૨૦’ની જાહેરાત કરી હતી, જેમાં વિવિધ કેટેગરીમાં ૧૨૯ ઍવોર્ડ્સ અપાયા હતા.