વૈશ્વિક આર્થિક સ્થિતિ ખૂબ મુશ્કેલ હોવા છતાં ભારત ચાલુ અને આગામી નાણાકીય વર્ષમાં અનુક્રમે 6.8 ટકા અને 6.1 ટકાનો મજબૂત આર્થિક વૃદ્ધિદર હાંસલ કરશે. નિરાશાજનક વૈશ્વિક આર્થિક સ્થિતિમાં ભારત એક બ્રાઇટ સ્પોટ બની રહ્યું છે, એમ આઇએમએફએ જણાવ્યું હતું.
આઈએમએફના ઈન્ડિયા મિશનના ચીફ ચૌઈરી નાડાએ પત્રકારો સાથે વર્ચ્યુઅલ વાતચીતમાં પુનરોચ્ચાર કર્યો હતો કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનું અર્થતંત્ર મજબૂત વૃદ્ધિ નોંધાવે તેવો અમને અંદાજ છે.
આઇએમએફએ ભારત સાથેની તેના વાર્ષિક વિચારવિમર્શનો રીપોર્ટ પણ જારી કર્યો હતો. અહેવાલ મુજબ ઓછા સાનુકૂળ આઉટલૂક અને વિશ્વભરમાં આકરી નાણા નીતિને કારણે ભારતની આર્થિક વૃદ્ધિ મધ્યમ રહેવાની ધારણા છે.
આઈએમએફએ ચાલુ વર્ષ અને આગામી વર્ષ માટે વૃદ્ધિના આપેલા આ અંદાજ તેના અગાઉના અંદાજ કરતાં ઊંચા છે. નાડાએ જણાવ્યું હતું કે હકીકતમાં અમારા અંદાજો મુજબ ચાલુ વર્ષ અને આગામી વર્ષે વૈશ્વિક વૃદ્ધિમાં ભારતનું યોગદાન અડધા ટકા જેટલું ઊંચું હશે. જોકે કેટલાંક મહત્ત્વના જોખમો છે અને આ જોખમી વિદેશી પરિબળોના સંદર્ભમાં છે. સૌથી મોટું જોખમ અંદા્જ કરતાં વધુ તીવ્ર વૈશ્વિક આર્થિક નરમાઈ છે.
નાડા જણાવ્યું હતું કે “આગામી વર્ષે વૈશ્વિક અર્થતંત્ર ધીમું પડવાનો અંદાજ છે. જોકે વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ વધુ ઝડપથી ઘટી શકે છે. તેનાથી ભારતને અસર થશે. રશિયા અને યુક્રેન યુદ્ધનો કોઇ ઉકેલ આવ્યો નથી અને તે તેજ બની શકે છે. તેનાથી વૈશ્વિક વેપાર અને કોમોડિટીના ભાવને અસર થઈ શકે છે.
IMFના જણાવ્યા અનુસાર મધ્યમગાળામાં આંતરરાષ્ટ્રીય સહકારમાં ઘટાડો થવાથી વેપારમાં વધુ વિક્ષેપ પડી શકે છે અને નાણાકીય બજારોમાં અસ્થિરતા વધી શકે છે.ઘરેલુ મોરચે જોઇએ તો વધતો જતો ફુગાવો ઘરેલુ માગને વધુ નેગેટિવ અસર કરી શકે છે. તેનાથી નબળા વર્ગોની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે અમે સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનને સંપૂર્ણ સમર્થન આપી રહ્યાં છે, જે મધ્યમ ગાળામાં આર્થિક વૃદ્ધિ માટે મહત્ત્વનો છે.