ભારત-ચીન વચ્ચે સરહદ પરની તંગદિલી વચ્ચે ભારતે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)માં નવા 9,400 સૈનિકોની ભરતી કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આઇટીબીપીનો નવો બેઝ ઊભો કરાશે અને તેમાં નવી સાત બટાલિયનનો સમાવેશ કરાશે.
મોદી કેબિનેટના અંગેના નિર્ણયની માહિતી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિની બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી અપાઈ હતી.
નવા સૈન્યબળનો ઉપયોગ આ સરહદે આવેલી 47 નવી સરહદી પોસ્ટ્સ અને અન્ય કેમ્પ્સની સુરક્ષા માટે અથવા મુખ્યત્વે અરૂણચલ પ્રદેશની સરહદે કરાશે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે જાન્યુઆરી 2020માં કેબિનેટે આઈટીબીપીની 47 બોર્ડર પોસ્ટ અને 12 કેમ્પ સ્થાપિત કરવાની મંજૂરી આપી હતી. ચીન સાથેની વાસ્તવિક અંકુશ રેખાની અસરકારક સુરક્ષા માટે આ નવી ભરતીનો નિર્ણય લેવાયો હોવાનું એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. આ કાર્ય વર્ષ 2025-26 સુધી પૂર્ણ કરાશે. 1962માં ચીન સાથેના યુદ્ધ બાદ પૂર્વીય ભારતમાં ચીનને અડીને આવેલી 3,448 કિ.મી લાંબી સરહદે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે આઈટીબીપીની રચના કરાઈ હતી.