પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતને ૨૦૨૨માં દુનિયાના કોઇપણ દેશ કરતાં સૌથી વધુ ૧૧૧ બિલિયન ડોલરનું રેમિટન્સ મળ્યું હતું. ૧૦૦ બિલિયન ડોલરથી વધુ રેમિટન્સ મેળવનારો તે વિશ્વનું પ્રથમ દેશ બન્યો છે, એમ યુનાઇટેડ નેશન્સની માઇગ્રેશન એજન્સીના રીપોર્ટમાં જણાવાયું હતું. ૨૦૨૨માં ભારત ઉપરાંત મેક્સિકો, ચીન, ફિલિપિન્સ અને ફ્રાન્સ રેમિટન્સ મેળવનારા ટોપ-૫ દેશ હતા.

ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશને મંગળવારે જારી કરેલા ‘વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ ૨૦૨૪’માં જણાવ્યું હતું કે, “રેમિટન્સ મેળવવાની બાબતમાં ભારત અન્ય દેશો કરતાં ઘણું આગળ છે. તેને (૨૦૨૨માં) ૧૧૧ બિલિયન ડોલરથી વધુનું રેમિટન્સ મળ્યું હતું.

મેક્સિકો રેમિટન્સની બાબતમાં બીજા ક્રમે રહ્યું હતું. તેણે ૨૦૨૧માં ચીનને ઓવરટેક કરી આ સ્થાન મેળવ્યું હતું અને ૨૦૨૨માં બીજો ક્રમ જાળવી રાખ્યો હતો.

રીપોર્ટના ડેટા મુજબ ભારત 2010, 2015 અને 2020 તથા 2022માં વિશ્વમાં સૌથી વધુ રેમિટન્ટ મેળવવાનો દેશ હતો. ૨૦૧૦માં ૫૩.૪૮ બિલિયન ડોલર), ૨૦૧૫માં ૬૮.૯૧ બિલિયન ડોલર અને ૨૦૨૦માં ૮૩.૧૫ બિલિયન ડોલર રેમિટન્સ મળ્યું હતું.

દક્ષિણ એશિયાના ત્રણ દેશ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વિશ્વમાં સૌથી વધુ રેમિટેન્સ મેળવનારા ટોપ-૧૦ દેશમાં સામેલ છે. યાદીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશનું સ્થાન અનુક્રમે છઠ્ઠું અને આઠમું રહ્યું હતું. ૨૦૨૨માં પાકિસ્તાનને લગભગ ૩૦ બિલિયન ડોલર અને બાંગ્લાદેશને ૨૧.૫ બિલિયન ડોલરનું રેમિટન્સ મળ્યું હતું.

અહેવાલમાં જણાવ્યા અનુસાર દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં રેમિટન્સ લોકોની ‘લાઇફલાઇન’ છે, પણ વિદેશમાં કામ કરતા આ દેશોના કામદારો નાણાકીય શોષણ, અવરજવરના ખર્ચને કારણે વધુ પડતો આર્થિક બોજ અને કામના સ્થળે હેરાનગતિનો સામનો કરે છે. વિશ્વભરના શ્રમિકો માટે અખાતી દેશો મુખ્ય સ્થળ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૨ના ફૂટબોલ વર્લ્ડકપે અન્ય દેશોના શ્રમિકો તેમજ હકોના ઉલ્લંઘન તરફ ધ્યાન ખેંચ્યું હતું. યુએઇ, કુવૈત અને કતારની કુલ વસતીમાં અન્ય દેશોના લોકોનો હિસ્સો અનુક્રમે ૮૮ ટકા, ૭૩ ટકા અને ૭૭ ટકા છે. જેમાં મોટાભાગના લોકો ભારત, ઇજિપ્ત, બાંગ્લાદેશ, ઇથિયોપિયા અને કેન્યાથી આવ્યા છે અને કન્સ્ટ્રક્શન, હોટેલ, સિક્યોરિટી, ઘરકામ, રિટેલ ક્ષેત્રમાં સક્રિય છે.

 

LEAVE A REPLY