પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકા સ્થિત રેટિંગ એજન્સી S&P ગ્લોબલ રેટિંગ્સે બુધવારે જણાવ્યું હતું કે ભારત 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે, પરંતુ દેશ માટે એક મોટી કસોટી ‘અપાર તક’નો ઉપયોગ કરીને આગામી મોટું વૈશ્વિક ઉત્પાદન હબ બનવાની રહેશે.

રેટિંગ એજન્સીએ તેના રીપોર્ટમાં જણાવ્યું હતું કે ભારતનો જીડીપી 7 ટકાના દરે વધી રહ્યો છે અને આગામી સાત વર્ષમાં અમેરિકા અને ચીન પછી ભારત સૌથી મોટી ઈકોનોમી હશે. હાલમાં જર્મની અને જાપાન ત્રીજા અને ચોથા નંબર પર છે જે હવે ભારત કરતા પાછળ રહી જશે.અમેરિકા હાલમાં 25.5 ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે ટોચ પર છે, જ્યારે ચીન 18 ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે બીજા સ્થાને છે. S&Pએ આગાહી કરી છે કે 2030માં ભારતનો GDP 7.3 ટ્રિલિયન ડોલર રહેશે, જે જાપાન અને જર્મનીને પાછળ છોડી દેશે.

એસ એન્ડ પી ગ્લોબલના અંદાજ મુજબ 2023માં ભારતના જીડીપીમાં 6.4 ટકા ગ્રોથ જોવા મળશે જ્યારે 2026માં 7 ટકાનો ગ્રોથ રહેશે. ભારતમાં જે ઝડપથી ડિજિટલ માર્કેટનો વિકાસ થયો છે તેના કારણે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં પણ જોરદાર ગ્રોથ જોવા મળ્યો છે. ખાસ કરીને ફાઈનાન્સ અને કન્ઝ્યુમર ટેક્નોલોજીમાં આગામી એક દાયકામાં ઘણો વિકાસ થશે તેમ માનવામાં આવે છે.

દુનિયાના નંબર 11થી 20 સુધીના અર્થતંત્રોની વાત કરવામાં આવે તો રશિયા 11મા ક્રમે છે જ્યારે મેક્સિકો 12મા ક્રમે અને સાઉથ કોરિયા 13મા સ્થાન પર છે. તેની પાછળ ઓસ્ટ્રેલિયા, સ્પેન, ઈન્ડોનેશિયા, તુર્કી, નેધરલેન્ડ્સ, સાઉદી અરેબિયા અને સ્વિટ્ઝર્લેન્ડનો વારો આવે છે.

માથાદીઠ જીડીપીની ગણતરી કરવામાં આવે તો અમેરિકામાં આ આંકડો 80,410 ડોલર અને ચીનમાં 12,540 ડોલર છે જ્યારે ભારતમાં માત્ર 2610 ડોલર છે. એટલે કે માથાદીઠ જીડીપીમાં ભારત ઘણું પાછળ છે.

LEAVE A REPLY