બ્રિટનની કેઇર્ન એનર્જી બાદ હવે વધુ એક વિદેશી કંપની રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ એટલે પશ્ચાર્તવર્તી વેરાના મુદ્દે ભારત સરકાર સામે મુશ્કેલી ઉભી કરી રહી છે.
હવે બ્રિટન ખાતેની અર્લીગાર્ડ નામની કંપનીએ ભારત-યુકે દ્વિપક્ષીય રોકાણ સંધી હેઠળ આંતરરાષ્ટ્રીય લવાદ કોર્ટમાં કાર્યવાહી ચાલુ કરી છે.
આ કંપની જાપાનની મિત્સુઇ એન્ડ કંપનીની બ્રિટન ખાતેની પેટાકંપની છે. વર્ષ 2007માં થયેલા એક ટ્રાન્ઝેક્શનને પગલે ભારતના આવકવેરા અધિકારીઓ દ્વારા અલીગાર્ડ પાસેથી રૂ. 2400 કરોડના ટેક્સની ડિમાન્ડ કરવામાં આવ્યા બાદ કંપનીએ આ પગલું ભર્યુ છે.
હકીકતમાં અર્લીગાર્ડે ફેબ્રુઆરી મહિનામાં જ લવાદ પ્રક્રિયા શરૂ કરી દીધી પરંતુ મિત્સુઇ એન્ડ કંપનીએ આ મહિનાની શરૂઆતમાં પોતાના નાણાકીય પરિણામો જાહેર કરતા આ અંગે વિસ્તૃત જાહેરાત કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે ભારતના આવકવેરા વિભાગે અર્લીગાર્ડ દ્વારા ફિનસાઇડર ઇન્ટરનેશનલ કંપનીના શેરના વેચાણ પર થયેલા મૂડી લાભ એટલે કે કેપિટલ ગેઇનની માંગ કરી છે. અર્લીગાર્ડે તે સમયે આવકવેરા ધારા મુજબ કેપિટલ ગેઇનનીં યોગ્ય ચૂકવણી કરી દીધી હતી, પરંતુ તેમ છતાં પેમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ કંપનીને જાન્યુઆરી 2020માં મળી હતી.