દાર-એ સલામના પ્રવાસે ગયેલા ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે શનિવારે જણાવ્યું હતું કે ભારત અને તાંઝાનિયા વચ્ચે સ્થાનિક ચલણમાં વ્યાપારિક પ્રવૃત્તિઓ શરૂ કરી છે, જેથી બંને દેશોના અર્થતંત્રને વેગ મળશે. તાંઝાનિયાની મુલાકાત દરમિયાન વિદેશ પ્રધાને સ્થાનિક ઉદ્યોગના પ્રતિનિધિઓને સંબોધતા જણાવ્યું હતું કે, ભારત અને તાંઝાનિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ખૂબ જ ઝડપથી વધ્યો છે અને નાણાકીય વર્ષ 2022-23માં તે 6.4 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે.
જયશંકરે વધુમાં કહ્યું હતું કે, “આ માત્ર ખૂબ જ સારો દ્વિપક્ષીય વેપાર નથી, પરંતુ સાથે સાથે આ દ્વિપક્ષીય વેપાર પણ સંતુલિત બની રહ્યો છે. પરસ્પર વેપારમાં ઘણા નવા ઉત્પાદનો વધારવામાં આવી રહ્યા છે. તાંઝાનિયાથી થતી નિકાસનું ભારત સૌથી મોટું કેન્દ્ર છે.” બંને દેશો વચ્ચે વધી રહેલા વ્યાપાર દરમિયાન સમયાંતરે સ્થાનિક ચલણમાં વ્યાપારિક પ્રવૃત્તિઓ કરવાની સંભાવનાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.
આ અંગે, તેમણે તાંઝાનિયાના અગ્રણી ઉદ્યોગકારોને જણાવ્યું હતું કે, “હું તમને એ હકીકત કહેવા ઇચ્છું છું કે, રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આવી સંભાવનાને મંજૂરી આપી છે. હવે અહીં હાજર ત્રણ ભારતીય બેંકો આ ક્ષમતાને સક્ષમ બનાવશે. જેથી બંને દેશ તેમના ચલણમાં વ્યાપાર કરી શકે.”
ભારતીય રૂપિયા અને તાંઝાનિયન શિલિંગમાં પણ કેટલાક નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા છે અને તેનાથી બંને દેશો વચ્ચે પરસ્પર વેપારને પ્રોત્સાહિત કરવા માટે વધારાની વ્યવસ્થા ઉપલબ્ધ થશે. તાંઝાનિયામાં બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા અને કેનેરા બેંક કાર્યરત છે.
વિદેશ પ્રધાને કહ્યું કે, આફ્રિકા સાથે ભારતનો વેપાર 98 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે. આ સિવાય ભારતે આફ્રિકામાં 75 બિલિયન ડોલરનું રોકાણ પણ કર્યું છે.