પડોશી દેશ ચીન સાથેની સરહદો અને હિન્દ મહાસાગર વિસ્તાર પરની સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવા માટે ભારત આશરે 3 બિલિયન ડોલરમાં અમેરિકા પાસેથી 30 MQ-9B પ્રિડેટર આર્મ્ડ ડ્રોન ખરીદવાની અંતિમ તબક્કાની મંત્રણા કરી રહ્યું હોવાનું સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું. MQ-9B ડ્રોન MQ-9 રીપર ડ્રોનનું એક વેરિયન્ટ છે. અમેરિકાએ રીપર ડ્રોનમાંથી હેલફાયર મિસાઇલ છોડીને અલ કાયદાના વડા અલ ઝવાહીરીનો ખાતમો બોલાવ્યો હતો.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે જનરલ ઓટોમિક્સ બિલ્ટ ડ્રોનની ખરીદી માટે નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે મંત્રણા ચાલુ છે. આ સોદા સરકારી ધોરણો ન હોવાના રીપોર્ટને તેમણે ફગાવી દીધા હતા. આ હંટર કિલર ડ્રોન દરિયાઇ સર્વેલન્સ, એન્ટી સબમરિન હુમલા અને ઓવર ધ હોરાઇઝન ટાર્ગેટ પર હુમલા સહિતની કામગીરી કરી શકે છે. હાઇ એલ્ટીટ્યુટ લોંગ એન્ડ્યોરન્સ (HALE) ડ્રોન આશરે 35 કલાક સુધી આકાશમાં રહી છે તથા હેલફાયર મિસાઇલ છોડી શકે છે. તેમાં 450 કિગ્રા બોંબ પણ રાખી શકાય છે. MQ-9B ડ્રોનના બે વેરિયન્ટ છે, જેમાં સ્કાયગાર્ડિયન અને સીગાર્ડિયનનો સમાવેશ થાય છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ખર્ચ, વીપન પેકેજ અને ટેકનોલોજી શેરિંગ જેવા મુદ્દાના ઉકેલ માટે હાલમાં મંત્રણા ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે એપ્રિલમાં ભારત અને અમેરિકાના વિદેશ અને સંરક્ષણ પ્રધાનોની ટુ પ્લસ ટુ મંત્રણામાં આ ડ્રોન ખરીદવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. ઇન્ડિયન નેવીએ 2020માં હિંદ મહાસાગરમાં સર્વેલન્સ માટે એક વર્ષ માટે જનરલ એટોમિક્સ પાસેથી ઓછામાં ઓછા બે MQ-9B સી ગાર્ડિયન ભાડે લીધા હતા. હિન્દ મહાસાગર વિસ્તારમાં ચાઇના પીપલ્સ આર્મીના યુદ્ધજહાજોની અવરજવર સહિતની ચીનની વધતી જતી પ્રવૃત્તિઓની ચાંપતી દેખરેખ રાખવા માટે ભારતીય નૌકાદળ તેની સર્વેલન્સ સિસ્ટમને મજબૂત બનાવી રહી છે.