ભારતે અફઘાનિસ્તાનમાં તાલિબાનો સાથે પ્રથમ વખત રાજદ્વારી મંત્રણા કરી હોવાનું મંગળવારે સ્વીકાર્યું હતું. કતારની રાજધાની દોહામાં તાલિબાનની પોલિટિકલ ઓફિસના હેડ શેર મોહમ્મદ અબ્બાસે ભારતીય રાજદૂત દીપક મિત્તલ સાથે મુલાકાત કરી હતી, એમ વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.
ભારતના વિદેશ મંત્રાલયે સ્ટેટમેન્ટ જારી કરી જણાવ્યું કે, આ બેઠક માટે તાલિબાન તરફથી આગ્રહ કરાયો હતો. બંને પ્રતિનિધિ દોહા સ્થિત ભારતીય એમ્બેસીમાં મળ્યા હતા. આ દરમિયાન અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અને દેશમાં પાછા લાવવાની ચર્ચા મહત્વની રહી હતી.
અગાઉ ઈન્ડિયન મિલિટ્રી એકેડમી (આઈએમએ)માં ટ્રેનિંગ લેનારા તાલિબાનના સીનિયર નેતા શેર મોહમ્મદ અબ્બાસે સ્ટેનકઝઈએ ભારત સાથે સંબંધો પર મોટી જાહેરાત કરી હતી. સ્ટેનકઝઈએ કહ્યું છે કે, તાલિબાન ભારત સાથે અફઘાનિસ્તાનના રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને જાળવી રાખવા ઈચ્છે છે. કાબુલ પર કબજા પછી પહેલી વખત તાલિબાનના કોઈ ટોચના નેતાએ ભારત સાથે સંબંધો પર પોતાના સંગઠનનો વિચાર રજૂ કર્યો છે. આ પહેલા તાલિબાનના પ્રવક્તા જ આ મુદ્દા પર બોલતા હતા.
આ દરમિયાન અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અને તેમને દેશમાં પાછા લાવવાને લઈને ચર્ચા થઈ. તે સાથે જ આતંકવાદને લઈને પણ ભારતે પોતાની ચિંતા વ્યક્ત કરી. ભારતીય રાજદૂતે અફઘાનિસ્તાનની જમીનો ઉપયોગ ભારત સામે ન કરવામાં આવે તે વાત પણ કરી.