ખાલિસ્તાન મુદ્દે ભારત અને કેનેડાના વિવાદ વચ્ચે ભારતે વધુ નોટિસ સુધી કેનેડાના નાગરિકો માટે વિઝા સેવા સસ્પેન્ડ કરી દીધી હતી. કેનેડિયન નાગરિકોની વિઝા અરજીઓની પ્રારંભિક ચકાસણી માટે રાખવામાં આવેલી ખાનગી એજન્સીએ BLS ઇન્ટરનેશનલે એક નોટિસ જણાવ્યું હતું કે “ઓપરેશનલ કારણોને લીધે… ભારતીય વિઝા સેવાઓ આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે”.
આ નોટિસ સૌ પ્રથમ ગુરુવાર, 21 સપ્ટેમ્બરે બીએલએસની વેબસાઇટ પર મૂકાઈ હતી. તેમાં જણાવાયું હતું કે “ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ સૂચના: ઓપરેશનલ કારણોસર, 21 સપ્ટેમ્બર 2023થી, ભારતીય વિઝા સેવાઓ આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.” ભારતના વિદેશ મંત્રાલયે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને BLS વેબસાઇટનો સંદર્ભ લેવા કહ્યું હતું.
કેનેડાના કેટલાંક વિસ્તારોમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ભારતે બુધવારે કેનેડામાં રહેતા ભારતના નાગરિકોને અને ત્યાં મુસાફરી કરવાનું વિચારી રહેલા લોકોને અત્યંત સાવધાની રાખવાની સલાહ આપી હતી. કેનેડાની કથળતી જતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓને અત્યંત સાવધાની રાખવાની અને જાગ્રત રહેવાની સલાહ અપાઈ છે.
ગયા જૂનમાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના ગંભીર આક્ષેપોને પગલે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો વણસ્યા છે. આ સ્થિતિમાં ભારતે આવી કડક એડવાઈઝરી જારી કરી છે.
વિદેશ મંત્રાલયે એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓ, વંશિય ગુના અને ગુનાહિત હિંસામાં વધારો થઈ રહ્યો છે. હેટ ક્રાઇમને રાજકીય માફી મળી રહી છે. તેથી કેનેડામાં રહેલા તમામ ભારતીય નાગરિકો અને ત્યાં પ્રવાસ કરવાની વિચારણા કરી રહેલા લોકોને અત્યંત સાવધાની રાખવા વિનંતી કરવામાં આવે છે. તાજેતરમાં ભારતીય રાજદ્વારીઓ અને ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરતાં ભારતીય સમુદાયોને ટાર્ગેટ કરવાની ધમકીઓ અપાઈ હતી. તેથી આવી ભારત વિરોધી પ્રવૃત્તિઓ થાય છે તેવા કેનેડાના વિસ્તારોનો પ્રવાસ ટાળવા માટે ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કેનેડામાં ભારતીય સમુદાયની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે ભારતીય હાઈકમિશન અને કોન્સ્યુલેટ જનરલ કેનેડિયન અધિકારીઓ સાથે સંપર્કમાં રહેશે.