બ્રિક્સના વિસ્તરણને ભારતનું સમર્થન જાહેર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાવિ માટે સજ્જ બ્રિક્સ માટે આ સંગઠનના પાંચ સભ્ય દેશોએ ભાવિ માટે સજ્જ બનવું પડશે.
આફ્રિકાના જોહાનિસબર્ગમાં ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સહિત બ્રિક્સના નેતાઓની 15મી વાર્ષિક સમિટના પ્રારંભિક સેશનને સંબોધતા મોદીએ આશા વ્યક્ત કરી હતી કે આફ્રિકન યુનિયનને જી-20ના કાયમી સભ્ય બનાવવાના ભારતના પ્રસ્તાવને બ્રિક્સના સભ્ય દેશોનું સમર્થન મળશે.
દક્ષિણ આફ્રિકાના પ્રમુખપદ હેઠળ બ્રિક્સ સમીટમાં ગ્લોબલ સાઉથના દેશોને વિશેષ મહત્વ આપવાના પગલાને આવકારતા મોદીએ જણાવ્યું હતું કે ભારતે તેની G20 પ્રેસિડન્સી હેઠળ ગ્લોબલ સાઉથના દેશોને પણ સૌથી વધુ પ્રાથમિકતા આપી છે. ભારત બ્રિક્સના વિસ્તરણને સંપૂર્ણ સમર્થન આપે છે અને સર્વસંમતિના આધારે પ્રસ્તાવને આગળ વધારવાના પગલાને આવકારે છે.
બ્રિક્સના સભ્ય દેશોએ બનાવેલી ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક ગ્લોબલ સાઉથની વિકાસ પ્રવૃત્તિઓને આગળ ધપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી હોવાનો ઉલ્લેખ કરીને મોદીએ જણાવ્યું હતું કે બ્રિક્સે છેલ્લા બે દાયકામાં લાંબી અને અદભૂત સફર શરૂ કરી છે. ભારતે રેલ્વે સંશોધન નેટવર્ક તથા MSME અને સ્ટાર્ટ-અપ્સ વચ્ચેના સહકારના ક્ષેત્રોમાં પગલાં સૂચવ્યા હતાં અને આ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
બ્રિક્સના સભ્ય દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. સંખ્યાબંધ દેશોએ બ્રિક્સના સભ્ય બનવાની અરજી કરી છે. બ્રિક્સ સમીટનો એક એજન્ડા તેના વિસ્તરણનો પણ છે. આફ્રિકા અને મધ્ય પૂર્વના 20થી વધુ દેશોના વડાઓને પણ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.