યુદ્ધગ્રસ્ત યુક્રેનના સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાની કામગીરી આખરે સોમવારે રાત્રે શરૂ થઈ હતી. ભારતના વિદેશ સચિવ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્યાં ફસાયેલા 700 જેટલા વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવા માટે રશિયાએ યુક્રેનના કેટલાક શહેરોમાં યુદ્ધવિરામની જાહેરાત કરી હતી અને તેના પગલે હ્યુમન કોરિડોર બનાવીને વિદ્યાર્થીઓને પોલ્ટાવા ખસેડાયા હતા. ત્યાંથી તેમને ટ્રેઈનમાં પશ્ચિમી યુક્રે લઈ જવાશે અને પછી તેમને ભારત પાછા લાવવાની વ્યવસ્થા ગોઠવાશે.
ફ્રાંસના પ્રેસિડેન્ટ ઈમાન્યુએલ મૈક્રોંની વિનંતીને માન આપીને રશિયાએ સીઝફાયરની જાહેરાત કરી હતી. રશિયાએ બીજીવાર યુક્રેનમાં સીઝફાયરની જાહેરાત કરી હતી. અગાઉ બે શહેરોમાં છ કલાક માટે સીઝફાયર કરાયું હતું. તે દરમિયાન ભારતીય નાગરિકોને નીકળવા માટે રસ્તો આપવામાં આવ્યો હતો. હવે મારિયુપોલ, ખારકીવ અને કીવમાં સીઝફાયરની જાહેરાત કરવામાં આવી છે. રશિયાએ સુમી માટે બે માર્ગ શરૂ કર્યા હતા જે ભારતીયો માટે ઉપયોગી નીવડ્યા છે. પ્રથમ માર્ગ સુમી-સુદઝા-બેલગોરોડમાંથી નીકળે છે જ્યારે બીજો માર્ગ સુમી-ગોલુબોવકા-રોમની-લોખવિસ્ટા -લુબની-પોલટાવાનો છે. યુનાઇટેડ નેશન્સ, ઓએસસીઈ અને આઈસીઆરસીને આ અંગે જાણ કરવામાં આવી હતી.
એ અગાઉ ભારતના વડાપ્રધાન મોદીએ સોમવારે રશિયાના પ્રેસિડેન્ટ પુતિન અને યુક્રેનના પ્રેસિડેન્ટ જેલેન્સ્કી સાથે વાત કરી હતી અને સુમીમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે તેમની મદદ માંગી હતી. રશિયાના પ્રેસિડેન્ટ પુતિને પણ સુમીમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં સહયોગ આપવા વડા પ્રધાનને આશ્વાસન આપ્યું હતું. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના સોમવારે 12મા દિવસે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશોના વડાઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. પુતિન સાથેની 50 મિનિટની વાતચીતમાં પુતિનને યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી સાથે સીધી ચર્ચા કરવા આગ્રહ કર્યો હતો. બંને નેતાઓએ યુક્રેનની બદલાતી સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પુતિને વડા પ્રધાન મોદીને બંને દેશોની ટીમો વચ્ચેની વાટાઘાટોની સ્થિતિ વિશે માહિતી આપી હતી. મોદીએ બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોનું સ્વાગત કર્યું અને આશા વ્યક્ત કરી કે તેઓ સંઘર્ષને સમાપ્ત કરવા તરફ દોરી જશે.
આ વાત અગાઉ વડા પ્રધાન મોદીએ યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી સાથે અંદાજે 35 મિનિટ સુધી યુદ્ધની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વડા પ્રધાને આ સંઘર્ષ અને તેના પરિણામે માનવીય સંકટ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે હિંસા તાત્કાલિક બંધ કરવા ફરીથી અનુરોધ કરતા જણાવ્યું હતું કે, ભારત હંમેશા મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલ અને બંને પક્ષો વચ્ચે સીધી વાતચીત માટે ઊભું રહ્યું છે. વડા પ્રધાને યુક્રેનમાંથી 20 હજારથી વધુ ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં તેમની સુવિધા માટે યુક્રેનિયન અધિકારીઓનો આભાર માન્યો હતો. રશિયાએ ગત 24 ફેબ્રુઆરીના રોજ યુક્રેન પર હુમલાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ પ્રથમવાર 26 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદીએ ફોન પર ઝેલેન્સ્કી સાથે વાતચીત કરી હતી.