એક નવા સર્વેના તારણો મુજબ અમેરિકા ફરી ભારતીય વિદ્યાર્થીઓની ઉચ્ચ અભ્યાસ માટેની પસંદગીનો નં. 1 દેશ બન્યો છે. ચારમાંથી ત્રણ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ઓમિક્રોનના ઉછાળા વચ્ચે પણ હાઇબ્રિડ અભ્યાસ કાર્યક્રમોની પસંદગી કરીને પણ અમેરિકા આવવાની મહેચ્છા ધરાવે છે.
ઓવરસીઝ એજ્યુકેશન પ્લેટફોર્મ વર્લ્ડગ્રેડે તાજેતરમાં હાથ ધરેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, ઓમિક્રોનના કારણે 68 ટકા વિદ્યાર્થીઓની વિદેશમાં અભ્યાસની યોજનાઓને પ્રતિકુળ અસર કરી છે ત્યારે પ્રવાસ, નાણાકીય બાબતો અને અભ્યાસના મુદ્દે 41 ટકા ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકાની પસંદગી કરી છે. એ પછી તેમની પસંદગીના ક્રમમાં કેનેડા (21 ટકા), ઓસ્ટ્રેલિયા (18 ટકા), અને યુકે (16 ટકા) આવે છે.
સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની તરફેણમાં પરિવર્તન જોવા મળ્યું છે. કોવિડ-19ના રોગચાળા દરમિયાન ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓએ આ બંને દેશોની તરફેણ કરી નહોતી.ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ કરતા આ સર્વેમાં શિક્ષણની પસંદગી નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવતા શિક્ષણના ખર્ચ સંબંધિત વધતો ટ્રેન્ડ પણ ઉજાગર થયો છે.
સર્વેક્ષણ કરાયેલામાંથી 72 ટકા વિદ્યાર્થીઓ પાસે શિક્ષણની ગુણવત્તા સાથે સમાધાન કર્યા વગર ખર્ચ બચાવવા માટે ઓનલાઈન અને કેમ્પસ પસંદ કરવા માટેના વિકલ્પો ઉપલબ્ધ હતા. આ પ્રમાણમાં છેલ્લા 7-8 મહિનામાં 55 ટકાથી 17 પોઈન્ટનો જંગી વધારો થયો છે, સર્વેમાં જોવા મળ્યું છે કે, મહામારીએ આ ટ્રેન્ડમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
8 ટકા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ઓમિક્રોનની અસર તેમના વિદેશના અભ્યાસ પર થઇ છે, કારણ કે ઘણા કિસ્સામાં માતા-પિતા સલામતીની ચિંતાને કારણે તેમના બાળકોના વિદેશમાં જવાથી અસ્વસ્થ જણાતા હતા.
આ સર્વેમાં એક આશ્ચર્યજનક તારણ એ પણ હતું કે, 58 ટકા વિદ્યાર્થીઓને વિદેશી અભ્યાસ સંબંધિત વિઝા માર્ગદર્શિકા અંગે મર્યાદિત સમજ હતી. સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે, સતત કોરોના વાઇરસને કારણે આ અસમાનતા જોવા મળી છે, જેના કારણે દેશોએ તેમની નીતિમાં સમયાંતરે ફેરફાર કર્યા છે.