ભારતે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્પાદિત એસ્ટ્રાઝેનેકા કોરોના વેક્સીનની તમામ નિકાસને હંગામી ધોરણે અટકાવી દીધી છે. દેશમાં કોરોનાના વાઇરસના કેસોમાં ફરી ઉછાળાને કારણે ઘરેલુ માગ પર ધ્યાન કેન્દ્રીત કરવા સરકારે આ નિર્ણય કર્યો છે, એમ બે સૂત્રોએ ગુરુવારે રોઇટર્સને જણાવ્યું હતું. સીરમ વિશ્વની સૌથી મોટી વેક્સીન ઉત્પાદક કંપની છે.
ભારતની આ હિલચાલથી GAVI/WHO સમર્થિત કોવેક્સ વેક્સીન શેરિંગ પ્રોગ્રામ માટેના સપ્લાયને પણ અસર થશે. આ પ્રોગ્રામ હેઠળ નીચી આવક ધરાવતા 64 દેશોને સીરમ દ્વારા ઉત્પાદિત વેક્સીનનો સપ્લાય આપવાની યોજના છે, એમ આ પ્રોગ્રામના પ્રોક્યુરમેન્ટ એન્ડ ડિસ્ટ્રિબ્યુટરિંગ પાર્ટનર યુનિસેફે જણાવ્યું હતું.
યુનિસેફે ઇ-મેઇલમાં જણાવ્યું હતું કે કોવેક્સ પ્રોગ્રામમાં ભાગ લેતા નીચી આવક ધરાવતા દેશોને કોરોના વેક્સીનની ડિલિવરીમાં વિલંબ થવાની શક્યતા છે, કારણ કે સીરમ દ્વારા ઉત્પાદિત વેક્સીનના વધુ ડોઝ માટે નિકાસ લાઇલન્સ મેળવવામાં પીછેહટ થઈ છે. કોવેક્સ શક્ય તેટલી ઝડપથી ડિલિવરી મેળવવા માટે ભારત સરકાર સાથે મંત્રણા કરી રહ્યું છે.
ભારતના વિદેશ મંત્રાલય અને સીરમે આ મુદ્દે ટીપ્પણી કરી ન હતી. કોવેક્સ પ્રોગ્રામ હેઠળ અત્યાર સુધી 17.7 મિલિયન એસ્ટ્રાઝેનેકા ડોઝ મળ્યા છે. ભારતે કુલ 60.5 મિલિયન ડોઝની નિકાસ કરી છે.
વિદેશ મંત્રાલયની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર ગુરુવારથી ભારતે વેક્સીનની નિકાસ કરશે નહીં, કારણ કે ભારત રસીકરણના પ્રોગ્રામને વેગ આપવા માગે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતની સ્થિતિ થાળે નહીં પડે ત્યાં સુધી નિકાસ થશે નહીં. ભારતમાં આટલા બધા લોકોનું રસીકરણ કરવાની જરૂર છે ત્યારે સરકાર કોઇ જોખમ લેવા માગતી નથી.
સીરમે બ્રાઝિલ, મોરોક્કો અને સાઉદી અરેબિયામાં વેક્સીનના સપ્લાયમાં વિલંબ કર્યો છે. બ્રિટનના સત્તાવાળા સીરમને ઓપવામાં આવેલા પાંચ મિલિયન ડોઝના બીજા બેચ માટે નવી દિલ્હી સાથે મંત્રણા કરી રહ્યું છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટે પહેલી એપ્રિલથી 45 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને વેક્સીન આપવાનો નિર્ણય કર્યો હતો. ભારતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા આશરે 11.7 મિલિયન છે, જે અમેરિકા અને બ્રાઝિલ પછી સૌથી વધુ છે. ભારતમાં વેક્સીનના અત્યાર સુધી 52 મિલિયન ડોઝ આપવામાં આવ્યા છે. સરકારે સીરમ પાસેથી આશરે 141 ડોઝનો સપ્લાય મેળવવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે. ભારતમાંથી મોટા ભાગની નિકાસ સીરમ કરે છે. સીરમે એપ્રિલ-મેમાં તેના માસિક ઉત્પાદનને વધારીને 100 મિલિયન ડોઝ કરવાની યોજના બનાવી છે. હાલમાં તે 70 મિલિયન ડોઝનું ઉત્પાદન કરે છે.