ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી જુન મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાનારી ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમની મંગળવારે જાહેરાત કરી હતી. સુકાનીપદે રોહિત શર્મા યથાવત છે, તો હાર્દિક પંડ્યાની ભારતીય ટીમમાં વાપસી થઈ છે અને તેને ઉપસુકાનીપદ સોંપાયું છે.
થોડું આશ્ચર્ય સર્જતી બાબત એ છે કે શુભમન ગિલને રીઝર્વમાં રખાયો છે, તો કે. એલ. રાહુલને પડતો મુકાયો છે. ઋષભ પંતની ફિટનેસના ધોરણે તેમજ સંજુ સેમસનની વિકેટ કીપર્સ તરીકે વાપસી થઈ છે, તેવી જ રીતે સ્પિનર તરીકે યુઝવેન્દ્ર ચહલની પણ વાપસી થઈ છે. ભારતીય ટીમ આ મુજબ છેઃ
રોહિત શર્મા (સુકાની), હાર્દિક પંડ્યા (ઉપસુકાની), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ , યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
રીઝર્વ – શુભમન ગિલ, ખલીલ અહેમદ, રીંકુ સિંહ અને અવેશ ખાન.
આ સ્પર્ધામાં ભારતની પહેલી મેચ પાંચમી જુને આયર્લેન્ડ સામે છે, તો ઉત્તેજના જગાવતો પાકિસ્તાન સામેનો જંગ 9 જુને તથા 12 જુને અમેરિકા અને 15 જુને કેનેડા સામેની મેચ છે.
આ વર્લ્ડ કપ 2 થી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં રમાશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ કેનેડા અને હોમ ટીમ અમેરિકા વચ્ચે ડલાસમાં રમાશે. ફાઈનલ 29 જૂને વેસ્ટ ઈન્ડીઝના બાર્બાડોસમાં રમાશે. સુપર-8 અને નોકઆઉટ મેચ વેસ્ટ ઈન્ડીઝમાં યોજાશે. ગ્રુપ સ્ટેજની મેચો 2થી 17 જૂન સુધી, સુપર-8 સ્ટેજની મેચ 19થી 24 જૂન અને તે પછી 26 જૂનથી નોકઆઉટ સ્ટેજ શરૂ થશે.