દેશના 40 કરોડ સોશિયલ મીડિયા યુઝર્સની અંગત માહિતી ખતરામાં આવી પડવાની તૈયારીમાં છે. સરકારી અિધકારીઓને ટાંકીને રજૂ થયેલા મીડિયા અહેવાલમાં દાવો થયો હતો કે નવા નિયમો પ્રમાણે કંપનીઓએ જરૂર પડયે 72 કલાકમાં યુઝર્સની માહિતી સરકારને આપવી પડશે.
ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલો પ્રમાણે ડિસેમ્બર-2018માં કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓ માટે નવી ગાઈડલાઈન જારી કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
એ પ્રસ્તાવ હવે આ મહિનાના અંતે લાગુ થાય એવી શક્યતા છે. એ પ્રસ્તાવ પ્રમાણે ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર, યુટયૂબ, ગૂગલ જેવી તમામ કંપનીઓએ તેમના ભારતીય યુઝર્સની માહિતી સરકારની ડિમાન્ડ થાય ત્યારે 72 કલાકમાં આપવી ફરજિયાત થઈ જશે.
સાયબરક્રાઈમ, દેશવિરોધી વિવાદાસ્પદ ટીપ્પણીઓ, ફેક ન્યૂઝ, ચાઈલ્ડ પોર્નની વિગતો, જાતિવાદી ઉશ્કેરણીજનક પોસ્ટ્સ અને આતંકવાદને સમર્થન કરતી પોસ્ટ અટકાવવાના હેતુથી આ પગલું ભરાતું હોવાનું સરકારી સૂત્રોએ કહ્યું હતું, પરંતુ એની અસર દેશના માતબર 40 કરોડ યુઝર્સ ઉપર થશે.
અત્યાર સુધી એવી જોગવાઈ હતી કે જે યુઝર્સ સામે સરકારી એજન્સીઓનું વોરંટ કે ક્રાઈમરેકોર્ડ કે કોર્ટનો ઓર્ડર હોય તેની જ માહિતી સોશિયલ મીડિયા કંપનીઓ સરકારને આપતી હતી. હવે નવી ગાઈડલાઈન પ્રમાણે કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા કંપનીઓને આદેશ આપે તે યુઝરની માહિતી 72 કલાકમાં આપવી પડશે. એ માહિતી માટે પોલીસનું વોરંટ કે કોર્ટના આદેશની જરૂર પડશે.
સોશિયલ મીડિયા કંપનીઓના અિધકારીઓને ટાંકીને કહેવાયું હતું કે દુનિયાભરની સરકારો આતંકવાદ સામેની લડાઈ અને ગુનાખોરી ઘટાડવાના નામે યુઝર્સની માહિતી ઉપર કાબુ રાખતી થઈ છે.
સોશિયલ મીડિયા કંપનીઓ માટે સરકાર યુઝર્સની માહિતી મેેળવવાને લઈને નવા નવા નોટિફિકેશન જારી કરે છે. ક્રાઈમમાં સંડોવાયેલા ગણ્યા-ગાંઠયા યુઝર્સને બહાને તમામ યુઝર્સની માહિતી હાથવગી કરવાનો આ નવો ગ્લોબલ ટ્રેન્ડ શરૂ થયો છે.
માહિતી અને ટેકનોલોજી મંત્રાલયના મીડિયા એડવાઈઝર એન.એન. કૌલે એક મીડિયા નિવેદનમાં કહ્યું હતું કે આ પ્રક્રિયા હજુ પૂરી થઈ નથી. જ્યાં સુધી એના વિશે કોઈ ચોક્કસ નિર્ણય ન થાય ત્યાં સુધી ટીપ્પણી કરવી યોગ્ય નથી.