ઇઝરાયેલ અને હમાસ વચ્ચે આશરે બે સપ્તાહથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતે પેલેસ્ટાઇનના લોકો માટે દવાઓ અને મેડિકલ ઇક્વિપમેન્ટ સહિતની આશરે 39 ટનની રાહત સામગ્રી મોકલી હતી. એરફોર્સના સી-17 ટ્રાન્સપોર્ટ વિમાન મારફત ઇજિપ્તના એરપોર્ટ પર રાહત સામગ્રી રવાના કરાઈ હતી.
માનવીય સહાય તરીકે ભારતે લગભગ 6.5 ટન જેટલી મેડિકલ સહાય તથા 32 ટન જેટલી ડિઝાસ્ટર રિલીફ મટીરિયલ એટલે કે જીવન જરૂરિયાતની અન્ય વસ્તુઓ મોકલી હતી. આ વિમાન ઈજિપ્તના અલ એરિસ એરપોર્ટ પર રવાના કરાયું હતું. આ સહાયમાં મેડિસિન, સર્જિકલ આઈટમ્સ, ટેન્ટ, સ્લિપિંગ બેગ, ટારપોલિન, સેનિટરી યુટિલીટી, વોટર પ્યુરીફિકેશન ટેબલેટ અને અન્ય જરૂરી વસ્તુઓ મોકલી છે.
ઇઝરાયેલના હુમલાને કારણે ગાઝાના આશરે 23 લાખ લોકો ઘર છોડીને ભાગી ગયા છે. ગાઝાની હોસ્પિટલો દર્દીઓની ભરાયેલી છે. બીજી તરફ મેડિકલ સપ્લાય અને ઇંધણની અછને કારણે ડોક્ટર્સને એનેસ્થેસિયા વિના સીવણ સોયથી સર્જરી કરવાની ફરજ પડી રહી છે. ઉત્તરી ગાઝામાં હવાઇહુમલા, પાવર અને પુરવઠાની અછતને કારણે સાત હોસ્પિટલો બંધ થઈ ગઈ છે.