ભારત અને રશિયાએ દ્વિપક્ષીય વ્યાપાર રૂપી કરન્સીમાં કરવા અંગેની વાટાઘાટો સ્થગિત કરી દીધી છે. ભારત મોસ્કોને એ સમજાવવામાં નિષ્ફળ ગયું કે રૂપી કરન્સીમાં વ્યાપાર બન્ને દેશોના હિતમાં છે. અનેક મહિનાથી આ વાટાઘાટ ચાલી રહી હતી. જોકે આ અંગે નાણા મંત્રાલય, રિઝર્વ બેન્ક અને રશિયાના અધિકારીઓએ સત્તાવાર કોઈ ટિપ્પણી કરી નથી. ભારત રશિયા પાસેથી ડોલર કરન્સીમાં સસ્તું ક્રૂડ ઓઈલ આયાત કરી રહ્યું છે તેના પર તેને કારણે ખાસ કોઈ ફર્ક પડશે નહીં તેમ મનાય છે.
ભારત અને રશિયા વચ્ચે ટ્રેડ ડેફિસિટ ખાસ્સી છે અને તે રશિયાની તરફેણમાં છે. આવા સંજોગોમાં રશિયાને લાગે છે કે જો તે રૂપી કરન્સીમાં દ્વિપક્ષીય વ્યાપારને મંજૂરી આપશે તો વર્ષે તેની પાસે 40 અબજ ડોલરના મૂલ્યની રૂપી કરન્સી સરપ્લસ થઈ જશે અને હાલના તબક્કે રૂપી કરન્સી ભેગી કરવી તેના માટે યોગ્ય નથી.
રશિયાએ યુક્રેન પર ગત 24 ફેબ્રુઆરી, 2022ના રોજ આક્રમણ કર્યું ત્યારથી 5 એપ્રિલ, 2023 વચ્ચે રશિયામાંથી ભારતની આયાત વધીને 51.3 અબજ ડોલર થઈ છે જે અગાઉના વર્ષે આ ગાળામાં માત્ર 10.6 અબજ ડોલર હતી. સસ્તું ઓઈલ મળતું હોવાથી ભારતે તેનો મહત્તમ લાભ લીધો છે અને રશિયામાંથી ઓઈલની આયાત 12 ગણી વધી ગઈ છે. ભારતમાંથી રશિયામાં નિકાસ સાધારણ ઘટીને 3.43 અબજ ડોલર થઈ છે, જે અગાઉના વર્ષે 3.61 અબજ ડોલર હતી.
