રશિયા-યુક્રેન વચ્ચે ભારતે આંતરરાષ્ટ્રીય દબાણો છતાં એપ્રિલ-મે, 2022 દરમિયાન રશિયામાંથી ભારતની આયાતમાં જંગી વધારો નોંધાયો છે. કુલ આયાતમાં ક્રૂડ ઓઈલનો સિંહફાળો છે. એપ્રિલ-મે, 2020 દરમિયાન રશિયામાંથી કરાયેલી આયાત 3.7 ગણી એટલે કે 5 અબજ ડોલર જેટલી વધવા પામી છે, જે 2021-22માં કરાયેલી કુલ આયાતના મૂલ્યના લગભગ અડધા જેટલી છે. ફેબ્રુઆરીમાં રશિયા દ્વારા યુક્રેન પર કરાયેલા હુમલા બાદ આયાત વધી 8.6 અબજ ડોલર થઈ છે જે 2021ના સમાન સમયગાળા દરમિયાન 2.5 અબજ ડોલર રહેવા પામી હતી.
પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ઉપરાંત ફર્ટિલાઈઝર, ખાદ્યતેલ, બળતણ માટેનો કોલસો, સ્ટીમ કોલ સહિતની ચીજવસ્તુઓની આયાતમાં પણ આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર વધારો નોંધાયો હોવાનું વાણિજ્ય મંત્રાલય દ્વારા અપાયેલી માહિતીમાં જણાવાયું છે. જોકે પ્રોજેક્ટ એક્સપોર્ટ અને કિંમતી અને ઓછાં મૂલ્યના પથ્થર જેમાં મુખ્યત્વે હીરાનો સમાવેશ થાય છે તેની આયાતમાં ઘટાડો જોવાયો છે. નિકાસમાં થયેલાં નોંધપાત્ર ઘટાડાને પરિણામે આયાતમાં ઉછાળો થવાને પરિણામે વેપાર ખાધમાં જંગી વધારો થવા પામ્યો છે. 2022-23માં વેપાર ખાધ 4.8 અબજ ડોલર રહેવા પામી હતી જે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 90 કરોડ ડોલર નોંધાઈ હતી. એપ્રિલ અને મે, 2022 દરમિયાન ખનીજ ઈંધણની આયાત છ ગણી વધી 4.2 અબજ ડોલર નોંધાઈ હતી. આ જ શ્રેણી હેઠળ ક્રૂડ પેટ્રોલિયમની આયાતનું મૂલ્ય 3.2 અબજ ડોલર રહેવા પામ્યું હતું. જ્યારે એપ્રિલ-મે, 2021 દરમિયાન આયાત શૂન્ય રહેવા પામી હતી તેમ સત્તાવાર આંકડામાં દર્શાવાયું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયા સામે પ્રતિબંધાત્મક પગલાં લાદવાના દબાણ છતાં ભારતે ત્યાંથી આયાત કરવાનું વલણ જાળવી રાખ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યાં અનુસાર રશિયા પર મુકાયેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને પરિણામે ભારતને રશિયન કંપનીઓ તરફથી બહેતર ડીલ મળે છે, જે દેશના આર્થિક હિતમાં છે.