ભારતની મુલાકાતે આવેલા રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને મંગળવાર, છ ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન ભારતને એક મહાન સત્તા, મિત્ર રાષ્ટ્ર તથા મુશ્કેલીમાં પડખે રહેનાર મિત્ર તરીકે વર્ણવી ત્રાસવાદ, નશીલી દવાઓની હેરાફેરી તથા સંગઠિત અપરાધ સહિતના વ્યાપક મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. પુતિને અફઘાનિસ્તાનમાં બની રહેલાં ઘટનાક્રમો અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ભારત અને રશિયા પ્રાદેશિક સ્તરે સર્જાતા પડકારો અંગે સાથે મળીને કામ કરશે. પુતિન અને મોદીની બેઠક અગાઉ બંને દેશોના સંરક્ષણ પ્રધાન અને વિદેશ પ્રધાનો વચ્ચે પણ બેઠક યોજાઈ હતી.
પુતિને જણાવ્યું હતું કે અમે ભારતને એક મહાન સત્તા, મિત્ર રાષ્ટ્ર અને મુશ્કેલ સમયમાં પડખે ઉભા રહેનારા મિત્ર તરીકે જોઈએ છીએ. બંને દેશો વચ્ચેના સંબંધો સતત મજબૂત બની રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીના સમયગાળા દરમિયાન પુતિનની બીજી મુલાકાત ભારત અને રશિયાના જોડાણ અંગે તેમની વ્યક્તિગત પ્રતબદ્ધતા દર્શાવે છે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક દાયકાઓમાં વિશ્વના ભૂરાજકીય ક્ષેત્રે અનેક બદલાવ આવ્યા હોવા છતાં ભારત અને રશિયાની મિત્રતા અતૂટ રહી વધુ ગાઢ બની છે. પુતિને જણાવ્યું હતું કે બંને દેશો ત્રાસવાદ અંગે ચિંતિત છે. હાલમાં બંને દેશોનું પારસ્પારિક રોકાણ 38 અબજ ડોલર છે તેમ જણાવતાં પુતિને કહ્યું હતું આગામી સમયમાં રશિયા મોટા પાયે ભારતમાં રોકાણ કરશે.
ભારત-રશિયા વચ્ચે 4 સંરક્ષણ સોદા
અમેઠીમાં છ લાખથી વધુ એકે-203 રાઈફલ્સનું ઉત્પાદન કરાશે
કલાશનિકોવ સીરિઝના નાના શસ્ત્રોનું ઉત્પાદન
મિલિટરી એન્ડ મિલિટરી ટેકનિકલ કો-ઓપરેશન
10 વર્ષ- બંને દેશો વચ્ચે મિલિટરી સહયોગ લંબાવાયો
ભારત- રશિયા સમિતની મહત્વની બાબતો
બંને દેશો વચ્ચે કુલ 28 કરાર પર હસ્તાક્ષર થયાં
આતંકવાદ, અફઘાનિસ્તાન અને ચીનની આક્રમણકારી નીતિઓની ચર્ચા
ભૂરાજકીય પડકારોનો સાથે મળીને સામનો કરવા પ્રતિબદ્ધતા
S-400 મિસાઈલ સોદો ભારતની સંરક્ષણ ક્ષમતા માટે અત્યંત મહત્વનોઃ લાવરોવ
નવી દિલ્હીઃ રશિયા અને ભારત વચ્ચેનો S-400 મિસાઈલ સોદો ભારતીય સંરક્ષણ ક્ષમતા માટે અત્યંત મહત્વનો છે તેમ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લેવરોવે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે અમેરિકા દ્વારા કરાયેલા દબાણને વશ થયા વગર ભારતે આ સોદા માટે જે પ્રતિબદ્ધતા દાખવી છે તે દર્શાવે છે કે પોતાની સલામતી અને હિતોના રક્ષણ માટે તે કોઈના દબાણ આગળ નમ્યાં વગર નિર્ણય લઈ શકે છે.
રશિયા સાથેની બેઠકમાં ભારતે ચીનનો મુદ્દો ઉઠાવ્યો
રશિયા સાથેની 2+2 બેઠક દરમિયાન ભારતે લદાખમાં ચીનની આક્રમકણકારી નીતિઓ અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ઉપરાંત વિદેશ પ્રધાન એસ. જયશંકર તથા રશિયાના સંરક્ષણ પ્રધાન જનરલ સર્ગેઈ શોયગુ તથા વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે ભાગ લીધો હતો. ભારતે બેઠક દરમિયાન સ્પષ્ટ જણાવ્યું હતું કે ઉત્તરીય સરહદે બીનજરૂરી આક્રમકતાને કારણે પડકારો ઉભા થયા છે. બંને દેશો વચ્ચે છ લાખથી વધુ એકે-203 રાઈફલ્સના સંયુક્ત ઉત્પાદન માટેની સમજૂતી પર હસ્તાક્ષર કરાયા હતાં.