દેશમાં કોરોના વાયરસના સંક્રમીત મામલામાં ભારતે ચીનને પાછળ છોડી દીધું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના નવા 3970 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસથી સંક્રમીત લોકોનો આંકડો વધીને 85940 સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે 103 લોકો મોતને ભેટ્યા છે જ્યારે 2233 લોકો કોરોના વાયરસ સામેની જંગમાં સંક્રમણને મહાત આપીને સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે.
85940 કોરોના વાયરસના કેસ સાથે ભારત દુનિયામાં સૌથી વધારે કોરોના વાયરસના કેસ ધરાવતા દેશોની યાદીમાં ચીનને પછાડીને આગળ નિકળી ગયો છે. ચીન તરફથી જાહેર કરેલા આંકડા પ્રમાણે ત્યાં 82929 કેસ નોંધાયા હતા તેમજ 4633 લોકોના મોતને ભેટ્યા હતા. જોકે, ચીનમાં અત્યાર સુધીમાં 78000થી વધુ લોકો સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. હવે ચીનમાં 100 કરતા ઓછા એક્ટિવ કેસ છે. જ્યારે ભારત કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 53035 સુધી પહોંચી ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ 85940 કેસ નોંધાયા છે જેમાંથી 30153 લોકો એવા છે કે જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 103 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 2752 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવારે સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 53035 એક્ટિવ કેસ છે.
દેશમાં કોરોના વાયરસના કુલ કેસમાંથી સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દેશભરમાં જેટલા પણ કેસ નોંધાયા છે તેમાંથી લગભગ એક તૃત્યાંશ કેસ ફક્ત મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાના 29100 કેસ નોંધાયા છે જેમાંથી 6564થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોનાના સૌથી વધારે કેસ ધરાવતા રાજ્યોની યાદીમાં મહારાષ્ટ્ર બાદ બીજા નંબર પર તમિલનાડૂ છે.
તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 10108 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે આ યાદીમાં ત્રીજા નંબર પર ગુજરાત છે જેમાં કુલ 9932 કેસ નોંધાયા છે જેમાંથી 606 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ગુજરાત બાદ દિલ્હીમાં 8895, રાજસ્થાનમાં 4727, મધ્યપ્રદેશમાં 4595 અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના 4057 કેસ નોંધાયા છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 4542910 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 307695ના મોત થયા છે જ્યારે 1636968 લોકો સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે. દુનિયામાં આજની તારીખમાં કુલ 2598247 કેસ એવા છે કે જેમની સારવાર ચાલી રહી છે.