ભારતના નાગરિકોએ એપ્રિલથી ડિસેમ્બર સુધીના નવ મહિના દરમિયાન દેશમાંથી 14 બિલિયન ડોલર વિદેશમાં મોકલ્યા છે. રિઝર્વ બેંકની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ વિદેશમાં નાણાં મોકલવામાં આવ્યા છે.
કોરોના મહામારીના લીધે વિક્ષેપ પડ્યા બાદ હાલ દેશમાંથી વિદેશમાં નાણાં મોકલવા એટલે કે રેમિટન્સના આઉટફ્લોમાં ઝડપી વૃદ્ધિ થઇ છે. અગાઉના નાણાંકીય વર્ષે સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન દેશમાંથી 12.68 બિલિયન ડોલરનું રેમિટન્સ વિદેશમાં મોકલવામાં આવ્યુ હતુ. કોરોના મહામારી પૂર્વેના વર્ષ 2019-20 દરમિયાન ભારતીયોએ દેશમાંથી 18 બિલિયન ડોલરનું રેમિટન્સ વિદેશમાં મોકલ્યુ હતુ.
ભારતીયોએ વર્ષ 2021ના છેલ્લા ત્રણ મહિનામાં 4.9 બિલિયન ડોલર વિદેશમાં મોકલ્યા છે જે મુખ્યત્વે વિદેશ પ્રવાસ અને ફોરેન એજ્યુકેશનની પ્રવૃત્તિને આભારી છે. કોરોના મહામારીનો કહેર ઘટ્યા બાદ ઘણા દેશોએ પ્રવાસીઓ માટેના નિયમો હળવા કરતા રેમિટન્સનો આઉટફ્લો વધ્યો છે. ઉપરાંત દુબઇમાં એક્સ્પો 20-20ના લીધે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ યુએઇ ગયા હતા. ફોરેન યુનિવર્સિટીઓએ પણ તેમના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ફરી હાજર થવાનો નિર્દેશ આપ્યો છે જેના લીધે પણ પ્રવાસ સંબંધિત રેમિટન્સનો આઉટફ્લો વધી રહ્યો છે.
ડિસેમ્બરમાં પ્રવાસ સંબંધિત રેમિટન્સનો આઉટફ્લો 88.4 કરોડ ડોલર હતો જે નવેમ્બરના 45.6 કરોડ ડોલર કરતા બમણા જેટલુ છે. જો કે તો વિદેશી અભ્યાસ માટે ઓક્ટોબર અને નવેમ્બરમાં દેશમાંથી અનુક્રમે 58 કરોડ ડોલર અને 48.2 અબજ ડોલર વિદેશ મોકલવામાં આવ્યા હતા જો કે ડિસેમ્બરમાં આ આંકડો ઘટીને 25.4 કરોડ ડોલર થયો છે. રિઝર્વ બેન્કની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ તમામ ભારતીય રહેવાસીઓને નિર્ધારિત રૂટ હેઠળ દર વર્ષે અઢી લાખ ડોલર સુધીની રકમ વિદેશમાં મોકલવાની પરવાનગી છે.