ભારત અને અમેરિકા વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયત સામે ચીને ઉઠાવેલા વાંધાને ભારતે ગુરુવારે ફગાવી દીધો હતો. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે નવી દિલ્હી આવી બાબતો પર કોઈ ત્રીજા દેશને વીટો પાવર આપતું નથી.
ચીનના વિદેશ મંત્રાલયે બુધવારે વાસ્તવિક અંકુશ રેખા LACથી 100 કિમી દૂર ઉત્તરાખંડના ઔલી ખાતે ભારત-યુએસ સૈન્ય કવાયત “યુદ્ધ અભ્યાસ”નો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે કવાયત 1993 અને 1996ની ચીન અને ભારત વચ્ચે બોર્ડર મેનેજમેન્ટ સમજૂતીનું ઉલ્લંઘન કરે છે.
ચીનના વિરોધનો જવાબ આપતા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, “હું ભારપૂર્વક જણાવું છું કે ઔલીમાં યુએસ સાથે જે કવાયત ચાલી રહી છે તેને 1993 અને 1996ના કરારો સાથે કોઈ લેવાદેવા નથી.”
એલએસીના લદ્દાખ સેક્ટરમાં ચીનના પગલાનો ઉલ્લેખ કરતાં બાગચીએ ઉમેર્યું હતું કે ચીન આ લશ્કરી કવાયતનો મુદ્દો ઉઠાવે છે, પરંતુ હું ભારપૂર્વક જણાવું છું કે ચીની પક્ષે 1993 અને 1996ના આ કરારોના પોતાના ભંગ વિશે ચિંતન કરવાની જરૂર છે.” અહીં ઉલ્લેખનીય છે કે લદ્દાખ સેક્ટરમાં ભારત અને ચીનના લશ્કરી દળો મે 2020થી આમને-સામને છે.
ભારતનો આરોપ છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી પર એલએસી પર સૈનિકોની સંખ્યા વધારીને અને વિવાદિત વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરીને કરારો અને પ્રોટોકોલનું ઉલ્લંઘન કરે છે. જૂન 2020 માં ગલવાન ખીણમાં 20 ભારતીય સૈનિકો અને ઓછામાં ઓછા ચાર ચીની સૈનિકો માર્યા ગયા હતા.
પેન્ટાગોનના નવા રીપોર્ટ અંગે ટીપ્પણી કરવાનો ઇનકાર કરતાં બાગચીએ અને પુનરોચ્ચાર કર્યો કે યુએસ સાથેના સંબંધો પર ભારત કોઈને વીટો આપતું નથી. પેન્ટાગોન રીપોર્ટમાં જણાવાયું હતું કે એલએસી પર મડાગાંઠ વચ્ચે ચીને અમેરિકાના અધિકારીઓને ધમકી આપી હતી કે તે ભારત સાથેના તેના સંબંધોમાં હસ્તક્ષેપ ન કરે.