લંડન ખાતેના ભારતીય હાઈ કમિશને સોમવાર (5 ડિસેમ્બર)એ યુકેના પ્રવાસીઓ માટે ઈલેક્ટ્રોનિક વિઝા (ઈ-વિઝા) ફરી ચાલુ કરવાની જાહેરાત કરી હતી. તાજેતરના મહિનાઓમાં ભારતના વિઝા માટે ભારે ધસારા વચ્ચે આ નિર્ણય આવકાર્ય છે.
યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે આ સર્વિસ તરત જ ઉપલબ્ધ થશે. લંડનમાં હાઈ કમિશનના અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે કે પ્રવાસીઓ આ સપ્તાહથી ભારતમાં ઈ-વિઝા માટે અરજી કરવાનું શરૂ કરી શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સિસ્ટમ અપગ્રેડ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ભારતીય વિઝા વેબસાઇટ ટૂંક સમયમાં ઈ-વિઝા માટેની અરજીઓ મેળવવા માટે તૈયાર થઈ જશે.
દોરાઈસ્વામીએ ટ્વિટર પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં જાહેરાત કરી હતી કે આજે મોટા સમાચાર એ છે કે અમે ફરી એકવાર ઈ-વિઝા શરૂ કરી રહ્યા છીએ. આનાથી યુકેના મિત્રો ભારતમાં વધુ સરળતાથી મુસાફરી કરી શકશે.
ભારતીય હાઈ કમિશનરની ટ્વિટર આ જાહેરાતને ભારે ઉલ્લાસ સાથે વધાવી લેવામાં આવી હતી. યુકેની સંસદમાંથી માહિતી મળી હતી કે ગયા મહિને ઇન્ડોનેશિયામાં G20 સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના યુકે સમકક્ષ ઋષિ સુનક વચ્ચે ઇ-વિઝા સહિતના મુદ્દાની ચર્ચાવિચારણા કરાઈ હતી.
ભારતીય વિઝા પ્રોસેસિંગ સુવિધાઓને વેગ આપવા માટે હાથ ધરવામાં આવેલા અનેક પગલાં પછી લાંબા સમયથી રાહ જોવાતી હતી તેવી આ જાહેરાત થઈ હતી. અગાઉ મહામારી પછી યુકેથી ભારત માટે ટ્રાવેલની ઊંચી માગને પહોંચી વળવા માટે સેન્ટ્રલ લંડનમાં નવું ભારતીય વિઝા સેન્ટર અને વિઝા એટ યોર ડોરસ્ટેપ (VAYD) સર્વિસ સહિતના પગલાં લેવામાં આવ્યા હતા.
VFS ગ્લોબલ સંચાલિત મેરીલેબોન ખાતેનું નવું ઈન્ડિયા વિઝા એપ્લિકેશન સેન્ટર (IVAC) કાર્યરત થયું છે. તે ગ્રુપ ટુરિઝમ માટેની પ્રોસેસને સરળ બનાવવાની સુવિધા પણ આપે છે. આ નવું કેન્દ્ર લંડનમાં ભારતનું ત્રીજું વિઝા કેન્દ્ર છે. VFS ગ્લોબલ સમગ્ર યુકેમાં બેલફાસ્ટ, બર્મિંગહામ, બ્રેડફોર્ડ, કાર્ડિફ, એડિનબર્ગ, ગ્લાસગો, સેન્ટ્રલ લંડન, હાઉન્સલો, લેસ્ટર અને માન્ચેસ્ટરમાં 10 IVACનું નેટવર્ક ચલાવે છે.