ભારતીય ફોરેન સેક્રેટરી હર્ષ વર્ધન શ્રિંગલાએ ગયા શનિવારે, 24 જુલાઇના રોજ યુકેની ફોરેન ઓફિસને ભારતના રોગચાળાની પરિસ્થિતિ વિશે માહિતગાર કરી ભારત આવનારા પ્રવાસીઓ પરના મુસાફરી પ્રતિબંધોની સમીક્ષા કરવા અને રેડ લિસ્ટમાંથી ભારતને દૂર કરવા વિચારણા કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
શ્રીંગલાએ કહ્યું હતું કે ‘’મુંબઈ, દિલ્હી સહિત દેશના ઘણા મોટા શહેરો વ્યવહારિક રીતે કોવિડ મુક્ત છે. મેં યુકેના અધિકારીઓને ભારતની કોવિડ પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા છે. ફ્રાન્સે ભારતના મુલાકાતીઓને જો તેઓ ડબલ રસી મેળવેલી હોય અને નેગેટીવ ટેસ્ટ ધરાવતા હોય તો ક્વોરેન્ટાઇન વિના પ્રવેશ આપ્યો છે. યુ.એસ.એ મુસાફરી યોજનામાં ભારતને અપગ્રેડ કર્યું છે અને મેં યુકેને પણ આવું કરવા પ્રોત્સાહન આપ્યું છે જેની યુકેએ નોંધ લીધી છે. અમે રોગચાળાની સ્થિતી વિષે સતત જાગૃત રહીએ છીએ અને ત્રીજો તરંગ ન આવે તે માટે નાગરિકોને સાવચેતી રાખવા જણાવ્યું છે.’’
યુકેના વર્તમાન નિયમો હેઠળ, ભારત પ્રવાસના રેડ લીસ્ટમાં હોવાથી ભારતથી પરત ફરતા લોકોને બ્રિટનમાં પ્રવેશ્યા બાદ ફરજિયાત 10 દિવસ હોટલમાં ક્વોરેન્ટાઇન થવું પડે છે. જેના માટે £2,000 ચૂકવવા પડે છે.
શ્રીંગલાએ જણાવ્યું હતું કે ‘’ભારતમાં નિર્મિત ઑક્સફર્ડ / એસ્ટ્રાઝેનેકા રસીને માન્યતા માટે એસ્ટ્રાઝેનેકાએ ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ વતી યુરોપિયન દવાઓની એજન્સી (EMA) ને અરજી કરી છે. આ રસી ભારતમાં ટેકનોલોજીના સ્થાનાંતરણ હેઠળ બનાવવામાં આવી રહી છે અને તેમા કોઈ તફાવત ન હોઈ શકે. મેં ઓક્સિજન પ્લાન્ટ્સ, કોન્સેન્ટ્રેટર્સ, સિલિન્ડરોની મદદ માટે યુકેનો આભાર માન્યો છે. અમને સૌ પ્રથમ યુકેની મદદ મળી હતી. જે એક મહાન મનોબળ બૂસ્ટર હતું.’’
ઇયુએ ભારતમાં બનેલી રસીને માન્યતા આપવી કે નહિં તેનો નિર્ણય સભ્ય દેશો પર છોડ્યો છે. 14 ઇયુ દેશોએ ભારતની કોવિશિલ્ડને પહેલેથી માન્યતા આપી છે જ્યારે બે દેશોએ કોવાક્સિનને માન્યતા આપી છે.
વડા પ્રધાન બોરીસ જોન્સન અને નરેન્દ્ર મોદીના રોડ મેપ પર આગળ વધવા 23 જુલાઇથી બે દિવસીય મુલાકાત માટે યુકે આવેલા શ્રીંગલાએ એકબીજાના વેક્સીન સર્ટિફિકેટ્સને સ્વીકારવાની યોજનાઓ શેર કરી હતી. જે સિસ્ટમનું ભારત સરકાર દ્વારા ટૂંક સમયમાં અનાવરણ કરવામાં આવશે.
તેમણે યુકે સરકારના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઑફિસ (એફસીડીઓ)ના પર્મેનન્ટ અન્ડર-સેક્રેટરી, સર ફિલિપ બાર્ટન અને દક્ષિણ એશિયાના એફસીડીઓ મંત્રી લોર્ડ તારિક અહમદ સાથે બેઠક યોજી હતી.