એપ્રિલની શરૂઆતમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશની જેમ ભારતને રેડ લિસ્ટમાં નહિં મૂકવા બદલ યુકે સરકારની આકરી ટીકા થઈ રહી છે. સરકારનું આ પગલુ કોવિડ-19ના કેસોમાં ઝડપથી વધી રહેલા કેસો પાછળ મુખ્ય પરિબળ હોવાની આશંકા છે.
ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે ‘’23 એપ્રિલના રોજ ભારતની મુસાફરી પર પ્રતિબંધ મૂકવાના છ દિવસ પહેલા ભારતીય વેરિયન્ટને તપાસ હેઠળ મૂકવામાં આવ્યો હતો અને આ નિર્ણયને બે અઠવાડિયા પહેલા વેરીએંટ ઓફ કન્સર્ન તરીકે જાહેર કરાયો હતો.’’
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના આંકડા મુજબ, રેડ લિસ્ટ પ્રતિબંધ મૂકતા પહેલા ભારત અને યુકે વચ્ચે લગભગ 20,000 લોકોએ મુસાફરી કરી હતી. માર્ચના અંતથી 26 એપ્રિલ વચ્ચે દિલ્હી અને મુંબઇથી આવેલા 122 જેટલા લોકો આ વેરિયન્ટ સાથે મળી આવ્યા હતા.
વિપક્ષી લેબર પાર્ટીના વરિષ્ઠ સાંસદ અને કોમન્સની હોમ અફેર્સ કમિટીના અધ્યક્ષ ઇવેટ્ટ કૂપરે મોડી કાર્યવાહી કરવા બદલ સરકાર પર હુમલો કરતા જણાવ્યું હતું કે ‘’સરકાર પાસે ત્રણ અઠવાડિયાનો સમયગાળો હતો જેમાં હજારો લોકો ભારતથી યુકે પરત ફર્યા હતા. જેમાં સંભવિત રૂપે સેંકડો કેસોનો સમાવેશ થાય છે. સરકારે પ્રવાસીઓને પાછા આવવા ચાર દિવસની સૂચના આપી હતી પણ આવનારા લોકોના કોઇ ટેસ્ટ પણ કર્યા નહતા.’’
યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સન એપ્રિલના અંતમાં દિલ્હી જવાના હતા જે મુલાકાત દેશમાં રોગચાળાના બીજા મોજાના કારણે રદ કરવામાં આવી હતી. હાલમાં ભારતીય વેરિયન્ટ B1.617.2 VOC ને લીધે હોસ્પિટલમાં 18 લોકો દાખલ છે અને તેમણે કોવિડ રસીનો કોઈ ડોઝ લીધો નથી. જેથી તે વેરિયન્ટ રસી પર અસર કરે છે કે નહિં તેની માહિતી મળી શકતી નથી.