લંડનના હિથ્રો એરપોર્ટે શુક્રવાર તા. 23થી રેડ લીસ્ટમાં જોડાયેલા ભારતથી આવનારી વધારાની ફ્લાઇટ્સને ઉતરવા દેવા મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. આ માટેનું કારણ પાસપોર્ટ કંટ્રોલ પર કતારો લાગવાની ચિંતા જવાબદાર હોવાથી હીથ્રોએ એરલાઇન્સની વિનંતીઓ નકારી કાઢી હતી. ભારતીય કોવિડ વેરિયન્ટને પગલે યુકે, આઇરીશ નાગરીકો અને યુકેના રેસિડેન્ટ સિવાયના લોકોના યુકે આગમન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને યુકે આવનારા લોકોએ 10 દિવસ હોટેલમાં ક્વોરેન્ટાઇન કરવું પડશે.
હીથ્રોએ રોઇટર્સને કહ્યું હતું કે ‘’અમે વધુ મુસાફરોને મંજૂરી આપીને બોર્ડર કંટ્રોલ પરના હાલના દબાણને વધારવા માંગતા નથી.’’ પીટીઆઇના અહેવાલ મુજબ નવા નિયમો અમલમાં આવે તે પહેલા મુસાફરો યુકે આવી જવા માંગતા હોવાથી ચાર એરલાઇન્સ દ્વારા ભારતથી વધારાની આઠ ફ્લાઇટ હીથ્રો પર ઉતારવા દેવા વિનંતી કરી હતી. હાલમાં, યુકે અને ભારત વચ્ચે અઠવાડિયામાં 30 ફ્લાઇટ્સ કાર્યરત છે.
ભારતની નાગરિક ઉડ્ડયન ઓથોરિટીએ પુષ્ટિ કરી છે કે તેમને ભારતથી યુકે જતી ચાર્ટર ફ્લાઇટ પરમિટ માટેની અરજીઓ મળી હતી – પરંતુ તેઓ પાત્રતાના માપદંડને પૂરા ન કરતાં હોવાથી આ અરજીઓ નામંજૂર કરાઇ હતી અથવા પાછી ખેંચી લેવામાં આવી હતી.
ઑનલાઇન ટ્રાવેલ એજન્ટ સ્કાયસ્કનેરે જણાવ્યું હતું કે ‘’ભારતથી યુકે પરત આવતી ફ્લાઇટ્સની શોધ કરતા લોકોમાં 250 ટકાનો વધારો થયો છે.’’
આ પ્રતિબંધોના કારણે શુક્રવારે સવારના 4 પછી યુકે પરત ફરનાર લોકોએ ફરજિયાત હોટેલ ક્વોરેન્ટાઇન માટે £1750 અને કોવિડ ટેસ્ટીંગ ખર્ચ મળી અંદાજે વ્યક્તિ દીઠ આશરે £2,000 વધારે ખર્ચ કરવો પડશે.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે, ‘’બ્રિટન દ્વારા આ પગલું ભારતમાં સૌ પ્રથમવાર ઓળખાયેલો વેરિયન્ટ ધરાવતા કોરોનાવાયરસના 100થી વધુ કેસ યુકેમાં મળી આવ્યા પછી ડેટાનો અભ્યાસ કર્યા બાદ સાવચેતીના આધારે નિર્ણય લેવામાં આવ્યો છે. અમે ભારતને રેડ લીસ્ટમાં ઉમેરવાનો મુશ્કેલ પરંતુ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.’’
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર તા. 20ના રોજ રાષ્ટ્રીય સંબોધનમાં કહ્યું હતું કે, ‘’વિશ્વના બીજા ક્રમની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ગુરુવારે 22ના રોજ કોરોનાવાયરસના સૌથી બીજા ક્રમના 3 લાખ કેસો નોંધાયા હતા. જે હોસ્પિટલોને બ્રેકિંગ પોઇન્ટ સુધી લઇ ગઇ હતી.’’