પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતનો જીડીપી ગ્રોથ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 7.6 ટકા રહ્યો હતો. આ સાથે ભારતે આ ક્વાર્ટરમાં સૌથી ઝડપી વૃદ્ધિ કરતા અર્થતંત્ર તરીકેનો દરજ્જો જાળવી રાખ્યો હતો. મેન્યુફેક્ચરિંગ, માઈનિંગ અને સર્વિસ સેક્ટરમાં નોંધપાત્ર ગ્રોથને પગલે કુલ ગ્રોથ વધ્યો હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)એ ગુરુવારે આ ડેટા જાહેર કર્યા હતા. ગયા વર્ષે આ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 6.2 ટકા રહ્યો હતો. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 7.8 ટકા રહ્યો હતો.

જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો ગ્રોથ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ રહ્યો હતો. આ ગાળામાં ચીનનો જીડીપી ગ્રોથ 4.9 ટકા રહ્યો હતો. અમેરિકામાં બીજા અંદાજ અનુસાર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રોથ 5.9 ટકા રહ્યો છે. ભારતનું રિયલ જીડીપી જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર (Q2)માં રૂ.41.74 લાખ કરોડ થયું હતું, જે ગત વર્ષે Q2માં રૂ. 38.78 લાખ કરોડ હતું. આમ, તેમાં 7.6 ટકાનો વધારો થયો હતો. નોમિનલ જીડીપી Q2માં રૂ. 71.66 લાખ કરોડ થયું હતું, જે ગત વર્ષે Q2માં રૂ.65.67 લાખ કરોડ હતું. આમ, એ દૃષ્ટિએ તેમાં 9.1 ટકાનો વધારો થયો હતો. ગત વર્ષે Q2માં તેમાં 17.2 ટકાનો વધારો થયો હતો.

ભારતના ગ્રોથના ડેટા જોઈએ તો કૃષિ ક્ષેત્રે ગ્રોસ વેલ્યૂ એડેડ (જીવીએ) ગ્રોથ નેગેટિવ 1.2 ટકા રહ્યો હતો, જે ગત વર્ષે આ ગાળામાં 2.5 ટકા હતો. ફાઈનાન્શિયલ, રિયલ એસ્ટેટ અને પ્રોફેશનલ સર્વિસીઝ ક્ષેત્રે 6 ટકા ગ્રોથ જોવાયો હતો, જે ગત વર્ષે આ ગાળામાં 7.1 ટકા હતો. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે જીવીએ 13.9% રહ્યો હતો. ગત વર્ષે આ ગાળામાં તેમાં 3.8% નેગેટિવ ગ્રોથ જોવાયો હતો.

માઈનિંગ એન્ડ ક્વોરિંગ કેટેગરીમાં 10% ગ્રોથ નોંધાયો હતો, જેમાં ગત વર્ષે આ ગાળામાં 0.1% નેગેટિવ ગ્રોથ રહ્યો હતો. વીજળી, ગેસ, પાણી પુરવઠા અને અન્ય યુટિલિટી સર્વિસીઝમાં ગ્રોથ 10.1% રહ્યો હતો. ગત વર્ષે આ કેટેગરીમાં આ ગાળામાં ગ્રોથ 6.1% રહ્યો હતો. કન્સ્ટ્રક્શન સેક્ટરમાં 13.3% ગ્રોથ નોંધાયો હતો, જે ગત વર્ષે આ ગાળામાં 5.7% હતો.

LEAVE A REPLY