ભારતમાં કોરોના મહામારીના પ્રકોપને પગલે વૈશ્વિક રોકાણકારો ભાવિ આર્થિક સુપરપાવર તરીકે ગણાતા ભારતના ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટિંગ અંગે સવાલ કરી રહ્યાં છે. કોરોનાના ફટકાથી ભારતના દેવામાં વધારો થયો છે અને આર્થિક સુધારાની પ્રક્રિયા અટકી પડી છે.
ગયા વર્ષે ડાઉનગ્રેડને કારણે ભારતના ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ ક્રેડિટ રેટિંગ સામે જોખમ ઊભું થયું છે. વધુમાં કોરોનાની બીજી લહેરથી એસ એન્ડ પી, મૂડીઝ અને ફિચ જેવી અગ્રણી રેટિંગ એજન્સીઓ દેશના રેટિંગ અંગે ફેરવિચારણા કરી શકે છે.
આ ત્રણેય એજન્સીઓએ તાજેતરના સપ્તાહમાં ભારતના આર્થિક વૃદ્ધિના અંદાજમાં કાપ મૂક્યો છે અથવા કાપ મૂકવાની ચેતવણી આપી છે. આ વર્ષે ભારતનું દેવુ વધીને જીડીપીના 90 ટકા થવાનો અંદાજ છે.
કોરોનાથી દેવામાં વધારો થઈ રહ્યો છે અને રેટિંગ એજન્સીઓ સંકેત આપ્યા છે કે તેઓ નિર્ણય કરતાં પહેલાં બીજી લહેર શમી જાય તેની રાહ જોશે. જોકે બોન્ડ જેવા રેટિંગ સંવેદનશીલ એસેટના રોકાણકારો પોતાનો નિર્ણય કરી રહ્યાં છે.
એનએન ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સના હેડ (એશિયન ડેટ) જોપ હંન્ટજેન્સે જણાવ્યું હતું કે અમે હજુ માનીએ છીએ કે ભારતનું ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટિંગ યથાવત રહેશે. પરંતુ ઓછામાં ઓછી એક એજન્સી સંભવત આગામી વર્ષે રેટિંગમાં ઘટાડો કરે તેવી 50 ટકા શક્યતા છે.
જેપી મોર્ગને જણાવ્યું હતું કે રેટિંગ એજન્સીઓ હાલમાં નિર્ણય ન કરીને ભારત પર વિશ્વાસ મૂકી રહી છે. યુબીએસે જણાવ્યું હતું કે ઉભરતા મોટા દેશોમાં ભારતમાં દેવાનું પ્રમાણ સૌથી વધુ હશે. યુબીએસના વિશ્લેષણ મુજબ ભારતે તેના જાહેર દેવાને સ્થિર રાખવા ઓછામાં ઓછો વાર્ષિક 10 ટકા ગ્રોથ નોંધાવો પડશે.
જો ભારતના રેટિંગમાં ઘટાડો થશે તો ભારત તેનું ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટિંગ ગુમાવશે. અગાઉ 1991માં ભારતે આ રેટિંગ ગુમાવ્યું હતું. ભારત પાસે કરન્સી રિઝર્વ મજબૂત છે, પરંતુ 1.4 બિલિયનની વસતિમાં સમૃદ્ધિનું સ્તર તમામ ઇન્વેસ્ટેન્ટ ગ્રેડ રેટિંગ ધરાવતા દેશોમાં નીચું છે. ભારતમાં માથાદીઠ જીડીપી 2,164 ડોલર છે, જ્યારે ચીનમાં આશરે 13,000 ડોલર છે.